પારસી ટાવર ઓફ સાયલન્સને ઐતિહાસિક વારસારૃપ તકતીનું સન્માન
ઐતિહાસિક માહિતી માટે ક્યુઆર કોડની લિંક પણ જોડવામાં આવી
મુંબઇ મહાનગરપાલિકાનો ગૌરવરૃપ નિર્ણય
મુંબઈ - મુંબઇ મહાનગરપાલિકાએ પારસી ટાવર ઓફ સાયલન્સ સ્મશાનગૃહને હેરિટેજ પ્લેક (ઐતિહાસિક વારસારૃપ તકતી)નું સન્માન આપ્યું છે. પારસી ટાવર ઓફ સાયલન્સ સ્મશાનગૃહ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં ૧૬૭૨માં શરૃ થયું છે.
આ સન્માન મુંબઇ મહાનગરપાલિકાના મુંબઇ લેગસી પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવ્યું છે.
ઐતિહાસિક વરસાની ખાસ પ્રકારની ધાતુની તકતી પારસી ટાવર ઓફ સાયલન્સના શહેરના કેમ્પ્સ કોર્નરના મુખ્ય પ્રવેશદ્વાર નજીકના સ્તંભ પર ગોઠવવામાં આવી છે. સાથોસાથ આ સ્થળની તમામ ઐતિહાસિક માહિતી મેળવવા માટે ક્યુઆર કોડની લિંક પણ જોડવામાં આવી છે.
પાલિકાના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર મનીષ વાળાન્જુએ એવી માહિતી આપી છે કે મુંબઇના સાંસ્કૃતિક વારસારૃપ સ્થળોનું ગૌરવ જાળવવાના ઉમદા હેતુસર આવી શરૃઆત કરવામાં આવી છે.