નવરાત્રિમાં માં-બાપ સંતાનો પર ડિટેક્ટિવ્સની વોચ ગોઠવશે
પતિ-પત્ની પણ એકબીજા પર ડિટેક્ટિવ દ્વારા નજર રખાવે છે
27-28 સપ્ટેમ્બરે વિકેન્ડ હોવાથી જાસૂસી માટેના બૂકિંગ્સમાં ખાસ વધારો; ખેલૈયાઓની સાથોસાથ ડિટેક્ટિવ્સને પણ બખ્ખાં
મુંબઇ - નવરાત્રિને આડે ગણતરીના દિવસો રહ્યાં છે, ત્યારે મુંબઈમાં એક અસામાન્ય વલણ જોવા મળી રહ્યું છે. માતા-પિતા અને સંબંધીઓ મોડી રાત્રે ગરબા-દાંડિયામાં હાજરી આપતા સંતાનો પર નજર રાખવા ખાનગી જાસૂસો (ડિટેક્ટિવ)ને રોકી રહ્યાં છે.
એક ખાનગી ડિટેક્ટિવના જણાવ્યાનુસાર, મધ્યમ વર્ગના પરિવારોની છોકરીઓ પણ ભવ્ય દાંડિયારાસના કાર્યક્રમોમાં હાજરી આપવા મોંઘા પાસ ખરીદી રહી છે. આથી આ વર્ષે મધ્યમ વર્ગના પરિવારના વાલીઓએ પણ તેમના સંતાનો પર નજર રાખવા ડિટેક્ટિવ રાખવાનું શરુ કર્યું છે. તેમાંય ૨૭-૨૮ સપ્ટેમ્બરે વીક એન્ડ આવતો હોવાથી તેના માટેના બૂકિંગ્સમાં ખાસ વધારો જોવા મળ્યો છે.
માત્ર માતાપિતા તરફથી જ નહીં તો જીવનસાથીઓ પ્રત્યે શંકા રાખનારાઓ તરફથી પણ જાસૂસીની માગ વધી છે. સોશિયલ યુવાનોને કનેક્ટ કરવા માટેનું સરળ માધ્યમ બન્યું હોવાથી પરિવારો એ જાણવા માગે છે કે તેમના સંતાનો આ કાર્યક્રમોમાં કોને મળી રહ્યાં છે અથવા કોની સાથે ગરબા રમી રહ્યાં છે. આથી તેની ગુપ્ત તપાસ કરવામાં આવશે. કેટલાંક કિસ્સાઓમાં શંકાસ્પદ પતિઓ કે પત્નીઓ તેમના જીનવસાથી ગુપ્ત રીતે આ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરવા પણ ડિટેક્ટિવ્સ રાખતાં હોય છે.
અન્ય એક ખાનગી ડિટેક્ટિવ્સે જણાવ્યું હતું કે, આ વર્ષે ગરબાનો ક્રેઝ ગયા વર્ષની સરખામણીએ ઓછો લાગી રહ્યો છે. પરંતુ બૂકિંગ્સનો પ્રવાહ સતત વધી રહ્યો છે. મુંબઈમાં ડિટેક્ટિવ્સ દેખરેખ માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ રાત્રી ૮૦૦૦ થી ૧૦૦૦૦ રુપિયાનો ચાર્જ કરે છે. તેમાંય આઉટસ્ટેશન ડિટેક્શન માટે ૧૦ હજારથી ૨૦ હજાર રુપિયા સુધીનો ચાર્જ છે. તેમાં જો ગ્રાહક પાસ પૂરાં પાડવામાં નિષ્ફળ જાય તો તેની રકમ ઉમેરાઈ નથી. તે અલગથી લેવામાં આવે છે.
તાજેતરના એક કિસ્સામાં એક ગુજરાતી મહિલાએ પોતાને ગરબા રમતાં ન આવડતું હોવાનું કહી તેના મંગેતરની સાથે ગરબા રમજા જવાનો ઈનકાર કર્યો હતો. જોકે તે રાત્રે ગુપ્ત રીતે રમવા માટે બહાર ગઈ. તેના વર્તન પર શંકા જતાં મંગેતરે બે દિવસ માટે તેની હિલચાલ પર નજર રાખવા એક ડિટેક્ટિવ રાખ્યો હતો. આથી નવરાત્રીમાં માત્ર ગરબાના રસિયાઓ અને ગાયકો જ વ્યસ્ત નથી હોતાં પરંતુ આવા જાસૂસોને પણ સામાન્ય દિવસો કરતાં વધુ કામ મળી રહેતું હોય છે.