ઘરને 7/11 હર્ષલ સ્મૃતિ નામ આપનારાં માતાપિતા ચુકાદો સાંભળી રડી પડયાં

ઘરને વિસ્ફોટના મૃતકનું નામ અપાયું હોય તેવો એક માત્ર કિસ્સો
19 વર્ષથી ન્યાયની રાહ જોતાં હતાં, આ અમારી સાથે અન્યાય છેઃ વસઈના હર્ષલ ભાલેરાવનાં વૃદ્ધ માતાપિતા ભારે ગમગીન બન્યા
મુંબઈ - 19-19 વર્ષ સુધી ન્યાયની રાહ જોયા બાદ આખરે આજે અમને નિરાશા જ સાંપડી છે. સરકારે યોગ્ય તપાસ ન કરી તેના કારણે બધા આરોપીઓ છૂટી ગયા છે એમ લોકલ ટ્રેન વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ૨૩ વર્ષીય દીકરા હર્ષલ ભાલેરાવના પિતા યશવંત ભાલેરાવે આજે ભારે ગમગીનીપૂર્વક તથા ખિન્ન થઈને જણાવ્યું હતું.
પુત્રની સ્મૃતિને જીવંત રાખવા માટે, તેમણે વસઈના ચુલને ગામમાં આવેલા તેમના નવા ઘરનું નામ '૭/૧૧ હર્ષલ સ્મૃતિ' રાખ્યું છે. વિસ્ફોટના ભોગ બનેલા લોકોની યાદમાં ઘરનું નામકરણ કરવામાં આવ્યું હોય તેવું આ એકમાત્ર ઉદાહરણ છે.
હર્ષલ અંધેરીની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો.
આજે શું ચુકાદો આવવાનો છે તે જાણવા માટે વયોવૃદ્ધ માતાપિતા સવારથી ટીવી સામે બેસી રહ્યાં હતાં. તેમને આશા હતી કે વિસ્ફોટો માટે જવાબદાર આતંકીઓને ફાંસીની સજા કાયમ રહેશે. પરંતુ, હાઈકોર્ટે તમામને નિર્દોષ જાહેર કરતાં તેમને ભારે આંચકો લાગ્યો હતો.
તેમણે કહ્યું હતું કે ૧૯ વર્ષ સુધી અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એક એક દિવસ વિતાવવો અમારા માટે કપરો છે. આ ચુકાદાથી અમને ભારે દુઃખ અને નિરાશાની લાગણી થાય છે. પોલીસે ઉતાવળે આરોપીઓની ધરપકડ કરી હશે. તેમને તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેવું સાબિત કરવાની ઉતાવળ હશે એટલે જ યોગ્ય પુરાવા એકઠા કરાયા નથી. તેના કારણે બધા આરોપી નિર્દોષ છૂટી ગયા છે. ૨૬/૧૧ના આતંકીઓને ફાંસીની સજા થઈ અને આ કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. આ અમારી સાથે અન્યાય છે. આ ચુકાદો દુર્ભાગ્યપૂર્ણ છે.
સ્વ. હર્ષલનાં માતા સગુણા ભાલેરાવ વાત કરતાં કરતાં રડી પડયાં હતાં. તેમણે એ દિવસની યાદ તાજી કરતાં કહ્યું હતું કે ટ્રેનમાં વિસ્ફોટો થયા છે એવું સાંભળીને હું મનોમન પ્રાર્થના કરતી હતી કે હર્ષલ એ ટ્રેનમાં ન હોય તો સારું. પણ, કમનસીબે હર્ષલ એ ટ્રેનમાં જ હતો. આ વિસ્ફોટના કારણે અમારા પરિવારનો માળો વિખાઈ ગયો હતો. મારો પુત્ર તો હવે ક્યારેય પાછો નહિ આવે પરંતુ કમસેકમ આતંકીઓને સજા થશે તો અમારા જીવને ટાઢક વળશે એવી આશા હતી. પરંતુ હવે આ ચુકાદાથી તે આશા પર પાણી ફરી વળ્યું છે.
ફર્સ્ટ ક્લાસમાં દીકરાનું મોત, પિતા એ જ ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં હતા
હર્ષલે ગ્રેજ્યુએશન પછી કમ્પ્યુટર કોર્સ પૂર્ણ કર્યો હતો. તેણે અંધેરીમાં એક કંપનીમાં કામ કરવાનું શરૃ કર્યું હતું. ૧૧ જુલાઈએ તેનો કામનો પહેલો દિવસ હતો. તેના પિતાએ તેના માટે એક દિવસ પહેલા જ નવા સફેદ જૂતા ખરીદ્યા હતા. પહેલા દિવસે, જ્યારે તે કામ પરથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે ટ્રેનમાં વિસ્ફોટ થયો અને તેનું મૃત્યુ થયું. યોગાનુયોગ, હર્ષલના પિતા યશવંત ભાલેરાવ પણ તે જ દિવસે તે જ ટ્રેનમાં સેકેન્ડ ક્લાસમાં હતા. વિસ્ફોટમાં હર્ષલનાં મોતથી ભાલેરાવ પરિવાર ભાંગી પડયો હતો.








