અપહરણ કેસમાં આરોપી પૂજા ખેડકરના માતા- પિતા તથા બોડીગાર્ડ પણ ભૂગર્ભમાં

પિતા અને બોડીગાર્ડે અપહરણ કર્યું હતું, માતા સામે પોલીસને અટકાવવાનો કેસ
મનોરમાએ કાર સહિતના પુરાવા સગેવગે કર્યા, પોલીસ પર કૂતરા છોડયા, ફોન પર કહ્યું કે થાય તે કરી લેજો
મુંબઈ - નવી મુંબઈથી ટ્રક ચાલકનું અપહરણ કરવાના કેસમાં ં ભૂતપૂર્વ આઈએસએ પ્રોબેશનર પૂજા ખેડકરના પિતા અને તેમના બોડર્ગાર્ડ ફરાર થઈ ગયા છે. આ કેસમાં પોલીસ તપાસમાં અવરોધ સર્જનારી પૂજાની માતા મનોરમા ખેડકર પણ ફરાર છે. પોલીસે આ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
નવી મુંબઈના મુલુંડ-એરોલી રોડ પર બબાવીસ વર્ષીય પ્રહલાદ કુમાર દ્વારા ચલાવવામાં આવતી કોંક્રિટ મિક્સર ટ્રક લેન્ડ ક્રુઝર કાર સાથે અથડાઈ હતી. જેના કારણે પ્રહલાદ કુમાર અને ફોર વ્હીલરમાં સવાર બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો.રોડ રેજની ઘટના બાદ ખેડકરના પિતા દિલીપ ખેડકર અને તેમના બોડીગાર્ડ પ્રફુલ સાળુંખે કુમારને એસયુવીમાં બેસાડીને મનોરમા ખેડકરના બંગલા પર લઈ ગયા હતા. મંગળવારે પોલીસના જણાવ્યા મુજબ, એસયુવીને થયેલા નુકસાનનું વળતર મેળવવા માટે ટ્રક ડ્રાઈવરનંં અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, પોલીસ હજુ સુધી કારમાં સવાર બે લોકોને શોધી શકી નથી.
રવિવારે મનોરમા ખેડકરે પોલીસ કર્મચારીઓને બાનેર વિસ્તારમાં આવેલા તેના બંગલામાં અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને મનોરમાએ પોલીસ કર્મચારીઓને ખાતરી આપી હતી કે તે રવિવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં બંને આરોપીઓને પુણેના ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં લાવશે. મનોરમાની વાત પર ખાતરી કરીને પોલીસની ટીમ ઘટનાસ્થળ પરથી નીકળી ગઈ હતી. જો કે, બપોરે ૩ વાગ્યાની આસપાસ પોલીસે મનોરમાને કોલ કરતા તેણે પોલીસ સ્ટેશનમાં આવવાનો ઈનકાર કર્યો હતો અને તેમને જે કરવું હોય તે કરવા કહ્યું હતું. આથી પોલીસની ટીમ બાનેર વિસ્તારમાં પાછી ફરી હતી. તે સમયે અપહરણ કેસમાં વપરાયેલ એસયુવી કાર સહિત બંને આરોપીઓ ગાયબ હોવાનું નજરે ચઢ્યું હતું.
મનોરમાએ કથિત રીતે બંને આરોપીઓને ભાગી જવામાં કારને ઘટનાસ્થળ પરથી દૂર કરવામાં મદદ કરી હતી. ઉપરાંત પોલીસને બંગલામાં અંદર પ્રવેશતા અટકાવવા માટે તેમના પર બે હિંસક કૂતરાઓ પણ છોડવામાં આવ્યા હતા.
નવી મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે મનોરમા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન સોમવારે પુણે પોલીસ અને નવી મુંબઈ પોલીસની સંયુક્ત ટીમે ફરી બંગલાની મુલાકાત લીધી હતી. જો કે, મનોરમા ખેડકર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.
બંગલાનો મુખ્ય દરવાજો ખોલવા માટે કોઈ હાજર ન હોવાથી, પોલીસ કર્મચારીઓ લોખંડના દરવાજા પરથી કૂદીને અંદર પ્રવેશ્યા હતા. પરંતુ મનોરમા ખેડેકર અંદર મળી ન હતી. પોલીસ ટીમે ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી.









