માલેગાંવ કેસમાં પરમબીર સિંહે મોહન ભાગવતને સંડોવવાનો પ્રયાસ કરેલો

એટીએસના માજી વડાએ આદેશ નહીં પાળતાં કેસમાં સંડોવ્યાનો દાવો
આરોપી સુધાકર દ્વિવેદીના વકિલે કોર્ટમાં દલીલ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
મુંબઈ - દેશભરમાં સનસનાટી ફેલાવનારા ૨૦૦૮ના માલેગાંવ બોમ્બધડાકા કેસમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતને ઉપાડીને મુંબઈ લાવવાનો આદેશ આપ્યો હતો, એવી સનસનાટીભરી માહિતી સામે આવી હતી.. તત્કાલિન એન્ટિ ટેરસિસ્ટ સ્કવોડ (એટીએસ)ના અધિકારી મહેબૂબ મુજાવરને સિંહે આ આદેશ આપ્યો હતો. આ આદેશ મૌખિક અને ગેરકાયદે હોવાથી મુજાવરને સંડોવવામાં આવ્યાનો દાવો વિશેષ એનઆઈએ કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો.
માલેગાંવમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮માં મસ્જિદ પાસે મોટરસાઈકલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં છના મોત અને સૌથી વધુ ઘવાયા હતા. કેસની સુનાવણીમાં ગુરુવારે જજ એ. કે. લાહોટી સમક્ષ આરોપી ક્રમાંક ૧૦ સુધારક દ્વિવેદીના વકિલ રણજીત સાંગળેઅ ઉક્ત ચોંકાવનારી દલીલ કરી હતી.
સાંગળેએ જણાવ્યું હતું કે મુજાવરે સિંહના આદેશનું પાલન કર્યું ન હોવાથી સોલાપુરના એક ખોટા કેસમાં તેમને સંડોવવામાં આવ્યા હતા. માજી એટીએસ અધિકારી મુજાવરે સોલાપુર કોર્ટમાં કલમ ૩૧૩ હેઠળ આપેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. સંદીપ ડાંગે અને રામચંદ્ર કાલસંગ્રાના એટીએસ કસ્ટડીમાં મોત થયા હોવા છતાં તેમને માલેગાંવ કેસમાં ફરાર આરોપી દર્શાવાયા હોવાનો દાવો પણ મુજાવરે મીડિયા સામે કર્યો હતો.
વિશેષ એનઆઈએ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપનામામાં બંનેને જીવંત દર્શાવાયા હતા અને ફરાર દર્શાવાયા હતા, એમ વકિલ સાંગળેએ જણાવ્યું હતું. માલેગાંવ બોમ્બસ્ફોટની તપાસ ખોટી અને હિન્દુ આતંકવાદની ખોટી માહિતી ફેલાવવા માટે હતી, એવો દાવો પણ સાંગળેએ દલીલમાં કર્યો હતો.









