પંકજા મુંડેના પીએ અનંત ગર્જેની પત્નીના આપઘાતના કેસમાં ધરપકડ

પતિ સહિત સાસરિયામાં ત્રાસના આરોપો
ફરાર ગર્જે મોડી રાતે પોલીસ મથકે હાજરઃ ૩ દિવસના રિમાન્ડ અપાયા
મુંબઇ - મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેના પીએ અનંત ગર્જેની વરલી પોલીસે પત્ની ગૌરી પાલવે- ગર્જેની આત્મહત્યા પ્રકરણે રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. અનંત ગર્જેને આજે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવતી હતી.
મુંબઇના કેઇએમ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતી ગૌરી અને પંકજા મુંડેના પીએ અનંત ગર્જેના દસ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ૨૨ નવેમ્બરના રોજ ગૌરીએ વરલી સ્થિત તેના નિવાસસ્થઆને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ગૌરીના પરિવારજનોએ એવો આરોપ કર્યો હતો કે અનંત ગર્જેના લગ્નેતર સંબંધો હતા અને આ વાતની જાણ ગૌરીને થયા બાદ અનંત ગર્જે અને તેની બહેન તેમજ તેનો દિયર તેને ત્રાસ આપતા હતા.
મૃતક ગૌરીના ગૌરીના પિતાની ફરિયાદ બાદ વરલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૩૫૨ અને ૩૫૧ (૨) હેઠળ અનંત ગર્જે તેની બહેન શીતલ ગર્જે- આંધળે અને તેના દિયર ગર્જે સામે ગુનો નોંધ્યો હતો.
આ ઘટના બાદ અનંત ગર્જે ફરાર થઇ ગયો હતો પણ રવિવારે રાત્રે એક વાગ્યે તે સામેથી વરલી પોલીસ મથકમાં હાજર થયો હતો. પોલીસે ત્યારબાદ અનંત ગર્જેની ધરપકડ કરી હતી. તેને આજે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ગૌરીના ગર્જેના પરિવારજનોએ એવો આરોપ કર્યો હતો કે આ આત્મહત્યા નહી પણ હત્યા છે.
ગૌરીની અંતિમ વિધિ વખતે પિતા પડી ભાંગ્યા
કહ્યું 'તમારી પુત્રી ગરીબના ઘરમાં આપજો પણ શ્રીમંતોના નાદમાં લાગતા નહીં'
ગૌરી ગર્જેએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધા બાદ આજે સવારે તેની અંતિમવિધિ પાર પડી હતી. આ સમયે તેના પિતા પાલવે પડી ભાંગ્યા હતા. હૈયાફાટ રુદન વચ્ચે પોલીસની હાજરીમાં તેમણે કહ્યું હતું કે 'તમારી પુત્રી ગરીબના ઘરમાં આપજો પણ શ્રીમંતોના નાદમાં લાગતા નહીં. શ્રીમંતોના ભપકામાં આવી કરતા તમારી પુત્રી કોઇ ગરીબના ઘરમાં આપજો. ગૌરીના પિતા ચોધાર આસુએ સ્મશાનમાં રડી પડતાં ત્યાં ઉપસ્થિત લોકો પણ રડી પડયા હતા.
બે ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ ડો. ગૌરી અને અનંત ગર્જેના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તેમના લગ્નમાં પંકજા મુંડે અને તેની બહેન પ્રીતમ મુંડે પણ હાજર રહી હતી. એવું કહેવામાં આવી છે કે ગૌરીના લગ્ન પાછળ તેના પિતાએ ૫૦થી ૬૦ લાખથી વધુની રકમ ખર્ચી હતી.

