મહાભારતના કર્ણ તરીકે જાણીતા પંકજ ધીરનું કેન્સરથી અવસાન

મૂછ જાળવવા અર્જુનનો રોલ નકાર્યો હતો
ચન્દ્રકાન્તા સહિતની સિરિયલો તથા કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
મુંબઈ - બી આર ચોપરાની ટીવી સિરિયલ 'મહાભારત'માં કર્ણના પાત્રમાં અસીમ લોકપ્રિયતા મેળવનારા ટીવી અને ફિલ્મ એકટર પંકજ ધીરનું ૬૮ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. તેને લાંબા સમયથી કેન્સર હતું.
બુધવારે સાંજે મુંબઈના વિલે પાર્લેમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પંકજ ધીરે સિરિયલ 'ચન્દ્રકાન્તા'માં શિવદત્તની ભૂમિકા પણ ભજવી હતી. આ ઉપરાંત સોલ્જર, તુમકો ના ભૂલ પાયેંગે, રિશ્તે, અંદાજ, સંડક અને બાદશાહ જેવી ફિલ્મોમાં પણ તેણે ભૂમિકાઓ ભજવી હતી.
પંકજ ધીરને મહાભારતમાં પહેલાં અર્જુનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ બીઆર ચોપરાએ આ ભૂમિકા માટે તેની મૂછો કાઢી નાખવાની સૂચના આપી હતી. આથી તેણે આ રોલ નકાર્યો હતો. બાદમાં તેની કર્ણ તરીકે પસંદગી થઈ હતી.
પંકજ ધીરનો દીકરો નિકિતન ધીર પણ જાણીતો કલાકાર છે.