Get The App

રોંગ સાઈડમાં જઈ રહેલા પાલઘરના સાંસદની કારને થાણેમાં ડમ્પરની ટક્કર

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
રોંગ સાઈડમાં જઈ રહેલા પાલઘરના સાંસદની કારને થાણેમાં ડમ્પરની ટક્કર 1 - image

વીવીઆઈપી તરીકે  રોફ છાંટવા જતાં સાંસદ અકસ્માતમાં માંડ બચ્યા

સામાન્ય લોકો ટ્રાફિકમાં પીસાઈ રહ્યા હતા ત્યારે સાંસદના ચાલકે કાર બેફામ રોંગ સાઈડમાં દોડાવીઃ હવે પોલીસ શું પગલાં ભરે છે તેના પર નજર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: થાણે ઘોડબંદર રોડ પર ભારે  ટ્રાફિક વચ્ચે પાલઘરના સાંસદ ડો. હેમંત સાવરાની કાર રોંગ સાઈડમાં પૂરપાટ દોડાવાતાં એક ડમ્પર  સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાંસદનો બચાવ થયો હતો  જ્યારે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. જોકે, કારને ભારે નુકસાન થયું હતું. અસંખ્ય લોકો ટ્રાફિક જામમાં પરેશાન  હતા ત્યારે વીવીઆઈપી તરીકે રોફ છાંટવા સાંસદના કાર ચાલકે બેફામ રોંગસાઈડ ડ્રાઈવિંગ કરતાં સર્જાયેલા અકસ્માતમાં હવે પોલીસ આ ડ્રાઈવર સામે પગલાં ભરે છે કે કેમ તેના પર લોકોની નજર છે. 

મળેલી માહિતી મુજબ, ડો. હેમંત સાવરા થાણેથી પાલઘર જઈ રહ્યા હતા ત્યારે ભારે ટ્રાફિક જામને કારણે ડ્રાઇવરે કાર વિરુદ્ધ દિશામાં દોડાવી હતી. સવારે અંદાજે ૬.૩૦ વાગ્યે વર્સોવા પુલ પાસે ઝડપથી આવતા ડમ્પરે કારને ટક્કર મારી હતી.  એરબેગ સમયસર ખુલી જતાં સાંસદ બચી ગયા હતા. અકસ્માત બાદ ડમ્પર ડ્રાઇવર ફરાર થયો હતો, એ બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. નાયગાંવ પોલીસે જણાવ્યું કે, કારનો ઇજાગ્રસ્ત ડ્રાઇવર હાલ સુરક્ષિત છે. 

 અકસ્માત બાદ અહીં કલાકો સુધી વાહનોના ભારે ટ્રાફિક જામને હલ કરવા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટનાર્સ્થળે ગોઠવી દેવાયો હતો.

અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ વખતે કોઈ સામાન્ય વાહન રોંગસાઈડમાં ઘૂસે તો ટ્રાફિક પોલીસ તરત દંડનીય કાર્યવાહી કરે છે. હવે સાંસદના કાર ચાલક સામે શું પગલાં લેવાશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. સાંસદે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે રોંગ સાઈડ ડ્રાઇવિંગને પ્રોત્સાહન  કેમ આપ્યું તેવો  પણ સવાલ સર્જાયો છે. 

દુર્ઘટના બાદ સાંસદના કાર્યાલય તરફથી જણાવાયું હતું કે અકસ્માતમાં ડો. સાવર સહિત તમામ લોકો સુરક્ષિત છે.