પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિતે ચૂંટણી લડવા 15 લાખ લીધા પછી પાછા ન આપ્યા
એકનાથ શિંદેની સેનાના સાંસદને બોમ્બે હાઈકોર્ટની નોટિસ
સાંસદે પૈસા ન આપતા હોવાની ફરિયાદ કરી તો ઉલ્ટાનું પોલીસે દંપતી સામે ગેરકાયદે લોન આપવાનો કેસ ઠોકી દીધો
મુંબઈ : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતા અને પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત વિવાદમાં સપડાયા છે. એક વૃદ્ધ દંપતીની કથિત છેતરપિંડી કરવાના કેસમા ંહાઈ કોર્ટે ગાવિતને નોટિસ ફટકારી છે. ચૂંટણી માટે રૃ. ૧૫ લાખ ઉછીના લીધા બાદ પાછા નહીં આપવા પ્રકરણે આ નોટિસ અપાઈ છે. ન્યા. શર્મિલા દેશમુખ અને રેવતી મોહિતી-ઢેરેની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે.
રોહિંગટન (૭૬) અને હોમાઈ (૭૪) તારાપોરવાલા નામના દંપતી પર કેટલાંક દિવસ પૂર્વે ગેરકાયદે લોન વિતરણનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસ અને અન્ય એજન્સીઓ સહકાર આપતી નહોવાનો આરોપ કરીને આ ગુનો રદ કરવા તારાપોરવાલા દંપતીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ હાઈ કોર્ટે ગાવિતને નોટિસ ફટકારી છે.
રોહિંગટન અને હોમાઈ તારાપોરવાલા પાલઘરના બાવડા ખાતેના પૂર્વજોના ઘરમાં રહે છે. તેમનો ચિકુનો વ્યવસાય છ બંને બાળકો વિદેશમાં રહે છે.૨૦૧૯માં રાજેન્દ્ર ગાવિતે થાણે જિલ્લા પરિષદના સભ્ય જયેન્દ્ર ડુબલા દ્વારા દંપતી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. લોકસભા ચૂંટણી લડવા આ પૈસાની જરૃર હોવાનું ગાવિતે જણાવ્યુંહતું. આ પૈસા તરત પાછા આપી દેશે એવી ખાતરી આપી હતી ત્યાર બાદ ડુબલાના માધ્યમથી ગાવિતે રૃ. ૧૫ લાખ આ દંપતી પાસેથી લીધા હતા.
ગાવિતે પોસ્ટ ડેટેડ ચેક પણ આપી રાખ્યો હતો પણ ચૂંટણીમાં જીતી ગયા બાદ ગાવિતે તારાપોરવાલા દંપતીને ટાળવાનું શરૃ કર્યું હતું. ઓક્ટોબર ૨૦૧૯માં ગાવિતે આપેલા ચેક પણ બાઉન્સ થયા હોવાનું અરજીમાં જણાવાયું છે.
તારાપોરવાલાએ જૂન ૨૦૨૧માં ફરી વણગાંવ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી પણ ઓગસ્ટમાં આ સિવિલ વિવાદ હોવાનું જણાવીને ગાવિત સામે ફોજદારી ગુનો રદ કરાયો હતો. ત્યાર બાદ દહાણૂના પોલીસ સુપરિન્ટેન્ડન્ટને પણ ગુનાની દખલ લેવા માગણી કરી હતી, પણ ગેરકાયદે લોન આપવા પ્રકરણે તેમની સામે જ ગુનો નોંધાયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં તારાપોરવાલાના ઘર પર રેડ પાડીને તેમના ઘરની કીમતી વસ્તુ, સોનું અને દસ્તાવેજ જપ્ત કરાયા હતા. ડુબાલે જ દંપતી સામે વ્યાજ પર લોન આપવા પ્રકરણે ગુનો નોંધાવ્યો હતો.