Mumbai

'બ્લાસ્ટ વખતે ભોગવી હતી તેનાથી વધારે પીડા આરોપીઓ છૂટી જતાં થઈ'

By GS TEAM
22 Jul 20252 mins read
'બ્લાસ્ટ વખતે  ભોગવી હતી તેનાથી વધારે પીડા આરોપીઓ છૂટી જતાં થઈ'

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા બોરીવલીના ગુજરાતી પીડિતની વ્યથા

જોબ છૂટી ગઈ, છ માસ પથારીવશ રહેવું  પડયું, સરકારે નજીવું વળતર આપ્યુું  ઃ કડક સજાના દાવા  પોકળ પુરવાર થતાં લાગી આવ્યું છે

મુંબઇ -  મુંબઇની લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ કરી કેટલાય નિર્દોષનો ભોગ લેનારા અને અનેક લોકોને ઘાયલ કરવા માટે જવાબદાર આતંકીઓને આકરામાં આકરી સજા થશે એવું આ ઘટના બની ત્યારે કહેવાતું હતું. પરંતુ સજા આપવાને બદલે આ બધાને છોડી મૂકવામાં આવ્યા એ જાણીને મારી જેવાં બ્લાસ્ટમાં જખમી થયેલા કેટલાય લોકોના મનમાં પીડા ઉઠી છે એમ બોરીવલીના રહેવાસી ચેતન મહેતાએ જણાવ્યું હતું.

સબર્બન  ટ્રેનોમાં જ્યારે બોમ્બ ધડાકા થયા એ ખૌૈફનાક અનુભવનું વર્ણન કરતા ચેતનભાઇએ કહ્યું હતું કે એ વખતે હું શેરબજારમાં સબબ્રોકર તરીકે કામ કરતો હતો. ગ્રાન્ટરોડની હોસ્પિટલમાં એક મિત્રની માતાને દાખલ કર્યા હતા તેની ખબર કાઢી ગ્રાન્ટરોડથી બોરીવલી જવા ટ્રેન પકડી. હું ફર્સ્ટ ક્લાસમાં બારી પાસે જ બેઠો હતો. ટ્રેન જોગેશ્વરી પહોંચી ત્યારે પ્રચંડ ધડાકો થયો, કાળો ધૂમાડો નીકળ્યો અને ગંભીર ઇજાને લીધે હું બેહોશ થઇ ગયો હતો.

કેટલીય વાર સુધી એ હાલતમાં પડયા રહ્યા પછી ડબ્બાના એક ભાગનું પતરું કાપી મને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢવામાં આવ્યો. કોઇએ સાડી અને લૂંગીની ઝોળી બનાવી એમાં મને ઉપાડીને પછી પોલીસ વેનમાં કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. મારા બંને પગમાં ફ્રેક્ચર હતા, બંને હાથ અને આખા શરીરે ઇજા થઇ હતી. આ હાલતમાં છ મહિના સારવાર હેઠળ રહ્યા પછી રજા આપવામાં આવી હતી.

બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ જીવનની દિશા ફેરવી નાખી એવું કહેતા ચેતનભાઇએ જણાવ્યું હતું કે જોબ પણ છુટી ગઇ હતી. સરકાર તરફથી માત્ર એક લાખનું વળતર મળ્યું હતું જ્યારે તેનાંથી અનેક ગણો વધુ ખર્ચ થઇ ગયો હતો. આ ખોફનાક અનુભવ  ક્યારેય ભૂલી નહીં શકું. એ વખતે જોરશોરથી કહેવાતું હતું કે ટ્રેન બ્લાસ્ટ માટે જવાબદાર હશે તેને આકરી સજા થશે. પરંતુ આજે જ્યારે ટીવીમાં સમાચાર જોયા કે અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા છે ત્યારે ખરેખર બ્લાસ્ટ વખતે જે પીડા અનુભવી હતી તેનાથી વધુ પીડા થઇ હતી.