મોટો ફલેટ ધરાવતા માલિકોએ વધુ મેઈનટેનન્સ આપવું જોઈએઃ હાઈકોર્ટ

પુણેની ટાઉનશિપના કેસમાં અપાયો મહત્ત્વનો ચુકાદો
મોટો ફલેટ ધરાવતા ફ્લેટ માલિકોે કોમન એરિયામાં વધુ અવિભાજીત હિસ્સો ધરાવેતા હોવાની નોંધ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે આપેલા મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર એપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ ૧૯૭૦ અનુસાર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મોટા ફ્લેટના માલિકોએ વધુ મેઈન્ટેનન્સ આપવું જોઈએ.
ફ્લેટ અને એપાર્ટમેન્ટ શબ્દ એકમેક માટે વપરાય છે પણ બંનેને મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લેટ્ ૧૯૭૧ અને મહારાષ્ટ્ર એપાર્ટમેન્ટ ઓનરશિપ એક્ટ ૧૯૭૦ હેઠળ જુદી વ્યાખ્યા અપાઈ છે. આ ભેદને લઈને મેઈન્ટેનન્સની ગણતરી પર અસર થાય છે. મોટાભાગની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ ૧૯૭૧ના કાયદાથી સંચાલિત છે અને મેઈન્ટેનન્સ ફ્લેટ દીઠ સમાન રીતે ચાર્જ કરવામાં આવે છે. જોકે એપાર્ટમેન્ટ-કોન્ડોમિનિયમ્સ ૧૯૭૦ના કાયદાથી સંચાલીત છે જેમાં મેઈનેટનન્સ દરેક યુનિટના કાર્પેટ એરિયાને આધારે ચાર્જ કરવામાં આવે છે કેમ કે દરેક એપાર્ટમેન્ટ માલિક કોમન પ્રોપર્ટીનો શેર ધારક છે.
પુણેના ટ્રેઝર પાર્ક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના વિવાદમાં આ નિર્ણય અપાયો હતો. ૧૧ ઈમારતોમાં ૩૫૬ ફ્લેટો આવેલા છે. કોન્ડોમિનિયમ્સની મેનેજિંગ બોડીએ દરેક ફ્લેટ માલિકો પાસેથી ફ્લેટના કદને ધ્યાનમાં રાખ્યા વિના સમાન મેઈન્ટેનન્સ વસૂલવાનો ઠરાવ પાસ કર્યો હતો.
નાના ફ્લેટ માલિકોએ નિર્ણયને ૨૦૨૨માં પડકારીને કાયદાનો ભંગ થતો હોવાની દલીલ કરી હતી. કાયદા અનુસાર મેઈન્ટેનન્સ દરેક માલિકના અવિભાજીત કોમન એરિયાના હિસ્સા પર આધારીત હોય છે જે એપાર્ટમેન્ટની સાઈઝ પર આધાર રાખે છે. આ દલીલ સાથે કોઓપરેટિવ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે સંમતિ દર્શાવીન જગ્યાના પ્રમાણસર ચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો.
આથી મોટા ફ્લેટના માલિકોએ પુણે કોઓપરેટિવ કોર્ટમાં ધા નાખી હતી, પણ તેમનો કેસ મે ૨૦૨૨માં ફગાવી દેવાયો હતો. આથી તેઓ બોમ્બે હાઈકોર્ટમાં આવ્યા હતા. અહીં દલીલ કરી હતી કે મેઈન્ટેનન્સનો ઉપયોગ તમામ રહેવાસીઓ દ્વારા સમાન રીતે વપરાતા વિસ્તાર અને સુવિધા માટે થાય છે અને માનીએ કે મોટા ફ્લેટમાં વધુ રહેવાસી હોય આથી તેમણે વધુ ચાર્જ આપવો એ અન્યાયકારી છે.
જોકે હાઈકોર્ટે અસંમતિ દર્શાવી હતી. ન્યા. મિલિન્દ જાધવે જણાવ્યું હતું કે બંને કાયદા અને કોન્ડોમિનિયમના પોતાના દસ્તાવેજો પ્રમાણસર એટલે કે એપાર્ટમેન્ટના કદને આધારે મેઈન્ટેનન્સને સમર્થન આપે છે.
અરજી ફગાવીને કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મોટા ઘર ધરાવતા ફ્લેટ માલિકોએ વધુ મેઈન્ટેનન્સ આપવાનું રહેશે કેમકે તેઓ કોમન એરિયામાં વધુ અવિભાજીત હિત ધરાવે છે.








