જળાશયો છલોછલ છતાં અનેક વિસ્તારોમાં અપૂરતાં દબાણથી પાણી

ઓક્ટોબર હિટ, દિવાળીના કારણે વપરાશ વધ્યો
મહાપાલિકા ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓ પાણીની સમસ્યા બાબતે ઓવર એક્ટિવ થતાં તંત્રને દોડધામ
મુંબઈ - મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં ૯૯.૫૦ ટકા જથ્થો છે. જોકે, તેમ છતાં પણ છેલ્લા ૧૫ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં અપૂરતાં દબાણથ પાણી મળતું હોવાની ફરિયાદો વધી છે. વધુમાં ઓક્ટોબર હિટ, દિવાળી તહેવારો વખતે વધતી માંગ અને આગામી માર્ચ મહિનાથી બાષ્પીભવન શરુ થતાં ઉનાળામાં પાણીની તકલીફ નહિ પડે તેવા મહાપાલિકાના દાવા અંગે પણ સવાલો ઉઠાવાઈ રહ્યા છે.
મહાપાલિકાના હાઇડ્રોલિક વિભાગના એન્જિનિયરે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે હાલમાં પાણીની સમસ્યા નથી, પરંતુ ઓક્ટોબર હિટ અને દિવાળીના તહેવારમાં પાણીની માગમી વધારે હોય છે. આથી અત્યારે ૩૮૫૦ મિલિયન લીટરને બદલે ૪૦૦ ૦મિલિયન લીટર પાણીનું વિતરણ કરાય છે.
મુંબઈને સાત જળાશયો વિહાર, તુલસી, તાનસા, મોડકસાગર અપરવૈતરણા, ભાતસા, મિડલ વૈતરણાનો સમાવેશ થાય છે. આ સાતેય જળાશયોમાંથી મુંબઈને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ જળાશયોમાં કુલ પાણી ભરાવવાની ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટરની ક્ષમતા સામે ૯૯.૫૦ ટકા પાણી જળાશયોમાં જમા થયા છે.
જોક ે વારંવાર પાણીની પાઇપલાઇન ફૂટવાની ઘટના, ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે પાણીનું બાષ્પીભવન થવાની મોટી માત્રા હોવાથી કદાચ મે મહિનામાં પાંચેક ટકા પાણીની કાપ આવે એવી શક્યતા હોય છે. આ સિવાય પાલિકા અપર વૈતરમા અને ભાતસાના રિઝર્વ ક્વોટામાંથી પાણી ઉપાડીને સરકારને વધુ પૈસા ચૂકવીને પાણીનું વિતરણ રાબેતા મુજબ રાખવાનો પ્રયાસ કરે છે.
જોક ે કેટલાક વિસ્તારમાં પાણી અપૂરતા દબાણથી મળે છે, એવી સમસ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે સંબંધિત વોર્ડના અધિકારીઓને જાણ કરી હોવાનું ચીફ હાઇડ્રોલિક એન્જિનિયરે જણાવ્યું હતું.
બીજી તરફ એક દાવો એવો છે કે મહાપાલિકા ચૂંટણી આવી રહી હોવાથી ભૂતપૂર્વ નગરસેવકો તથા અન્ય ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓ રાજકીય રીતે પોતે સક્રિય હોવાનું દેખાડવા પાણીના દબાણનો મુદ્દો ચગાવી રહ્યા છે. તેઓ પાણી પુરવઠાની નાની નાની ફરિયાદોને પણ ઉગ્ર સ્વરુપ આપી રહ્યા છે.
કોઈ સોસાયટી કે ઈમારતમાં પાણીની આંતરિક લાઈનમાં સમસ્યાને કારણે ઓછાં દબાણથી પાણી મળતું હોય તે શક્ય છે પરંતુ મહાપાલિકા તરફથી પર્યાપ્ત પાણી અપાય છે તેવો દાવો સૂત્રોએ કર્યો હતો.