પુણે પાસે ઈન્દ્રાયણી નદીનો પુલ તૂટતાં 50થી વધુ ખાબક્યા : ચારનાં મોત

- 38ને બચાવાયા : 18ને ગંભીર ઈજાઓ, મૃત્યુઆંક વધવાની ભીતિ
- દાયકાઓ જૂના લોખંડના જર્જરીત બ્રિજ પર મનાઈ છતાં સેલ્ફીની ઘેલછામાં ૧૨૫ પર્યટકો જઈ ચઢ્યા, ટુ વ્હીલર પણ લઈ ગયા
મુંબઇ: પુણે જિલ્લાના માવળ તાલુકામાં આજે બનેલી એક દુર્ઘટનામાં કુંડામળામાં ઇન્દ્રાયણી નદી પરનો લોખંડનો એક જૂનો ંકટાયેલો રાહદારી પુલ તૂટી પડતાં આશરે ૫૦ જેટલા પર્યટકો નદીમાં ખાબક્યા હતા. તેમાંથી ચારનાં મોતની પુષ્ટિ થઈ છે. ૩૮ લોકોને બચાવાયા હતા. જોકે, મૃત્યુઆંક વધુ હોવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. આ પુલને કેટલાય મહિનાઓથી અવરજવર માટે બંધ કરી દેવાયો છે. પરંતુ વરસાદી વાતાવરણમાં નદીની વચ્ચોવચ્ચ પુલ પર ઉભા રહી સેલ્ફીની ઘેલછામાં ૧૨૫ જેટલા પર્યટકો પુલ પર ચઢી બેઠા હતા. તેમાંથી કેટલાક તો ટુ વ્હીલર પણ લઈ આવ્યા હતા. પડું પડું થતો બ્રિજ તેમનું વજન ન ખમી શકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
પુણે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. આથી પુણે જિલ્લાની નદીઓમાં પાણીની મોટી આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે. દરમિયાન આજે તળેગાવ દાભાડે શહેર પાસેના કુંડમળા ખાતે ઇન્દ્રાયણી નદી કાંઠે અનેક પર્યટકો ફરવા આવ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવાથી પર્યટકોના ધસારો દરરોજની સરખામણીમાં વધુ હતું. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમૂક પર્યટકો ઇન્દ્રાયણી નદી પરના લોખંડના રાહદારી પુલ પર ચડીને તેજ ગતિથી વહેતી ઇન્દ્રાયણી નદીને નીહાળી રહ્યા હતા. આજે અહીં લગભગ ત્રણ થી ચાર હજાર પર્યટકો ઉમટી પડયા હતા જેમાંથી ૧૦૦ થી ૧૨૫ પર્યટકો રાહદારી પુલ પર હાજર હતા. કેટલાક લોકો તો બાઈક અને સ્કૂટર જેવાં ટુ વ્હિલર પણ બ્રિજ પર લાવ્યા હતા. તેનાં વજનથી આ જૂનો રાહદારી પુલ અચાનક વચ્ચેથી તૂટી પડયો હતો. પુલ તૂટી પડતા ખળભળાટ મચી ગયો હતો. અમૂક પર્યટકો જેમ-તેમ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. જ્યારે ઘણા પર્યટકો પુલ સાથે નદીમાં ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક પ્રશાસન અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતા એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને બચાવકાર્યમાં જોડાઇ ગઇ હતી. રાત્રે નવ વાગ્યા સુધીમાં ૩૮ પર્યટકોને બચાવી લેવાયા હતા. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સુનિલ શેળકેએ જણાવ્યુ ંહતું કે આ ઘટનામાં ૩૦ થી ૩૨ પર્યટકોને નાની-મોટી ઇજા પહોંચી હતી જ્યારે છ પર્યટકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. રાત પડયા બાદ અંધારાને લીધે બચાવકાર્યમાં વિક્ષેપ આવતો હોવા છતાં ફલડ લાઇટ અને રબર બોટની મદદથી સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા બચાવકાર્ય ચાલું રાખવામાં આવ્યું હતું.








