માર્ડની રાજ્ય સરકાર સામે આંદોલનની તૈયારી
અનેક જુનિયર ડોક્ટોર કૌટુંબિક જવાબદારીઓ સહિતના કારણે બદલીઓ ઈચ્છતા હોય છે, હવે કોઈ વિનંતી નહિ કરવા આદેશ
મુંબઈ - સેન્ટ્રલ મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (સેન્ટ્રલ માર્ડ) એ મહારાષ્ટ્ર ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીએમઈઆર)ના ત્રણ મહિનાના ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ (ડીઆરપી) હેઠળ અનુસ્નાતક મેડિકલ વિદ્યાર્થીઓ માટે આંતર-જિલ્લા ટ્રાન્સફર બંધ કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. જુનિયર ડોક્ટરોનાં સંગઠને આ પગલાને કઠોર અને રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા સામનો કરવામાં આવતી વાસ્તવિક મુશ્કેલીઓ પ્રત્યે અસંવેદનશીલ ગણાવ્યું છે.
ડીએમઈઆરએ ૧૯ ડિસેમ્બરના રોજ આંતર-જિલ્લા બદલી પર પ્રતિબંધ મૂકતું પરિપત્રક બહાર પાડયું હતું. 'આંતર જિલ્લા ટ્રાન્સફર માટેની દરખાસ્તો હવે ડિરેક્ટોરેટને સબમિટ ન કરવી, ી જિલ્લા-રેસિડેન્સી પ્રોગ્રામ હેઠળ (કોઈપણ કારણોસર) આંતર-જિલ્લા ટ્રાન્સફર બંધ કરવામાં આવે છે.' એમ આ પરિપત્રકમાં જણાવાયું હતું. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા ડીઆરપી ફરજિયાત હોય અનુસ્નાતક (એમડી / એમએસ) વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરુપે જિલ્લા સ્તરની તાલીમ લેવી ફરજિયાત છે.
ડીએમઈઆરએ તેના પરિપત્રકમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમના ફાળવેલા જિલ્લા પોસ્ટિંગ અને કૉલેજોમાં જોડાતા નથી અને અગાઉના સૂચનો છતાં ટ્રાન્સફર દરખાસ્તો આગળ ધપાવતા રહે છે, તેવા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો છે અને આ બાબતને ગંભીર ગણાવી છે અને કડક પાલનનો આદેશ આપ્યો છે. જે મહારાષ્ટ્રની તમામ સરકારી અને પાલિકા મેડિકલ કૉલેજોને લાગુ પડે છે અને તેનો તાત્કાલિક અસરથી અમલ કરાયો છે.
નારાજ માર્ડના પ્રતિનિધિઓનું કહેવું છે કે, ૧૬ ડિસેમ્બરે જ તેમની ડીએમઈઆર અધિકારીઓ સાથે થયેલી બેઠક દરમ્યાન તેમણે ડિરેક્ટોરેટને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઘણાં રેસિડેન્ટ ડૉક્ટરોને કૌટુંબિક જવાબદારીઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અન્ય અનિવાર્ય કારણસર આંતરજિલ્લા ટ્રાન્સફરની જરુર પડે છે. ત્યારે ઘણીવાર જિલ્લા હૉસ્પિટલના સિવિલ સર્જન અને અધિકારીઓ એનઓસી આપવામાં વિલંબ અથવા ઈનકાર કરે છે.


