ઓબીસી અનામત માટે અમારું બલિદાન..લખી 2 યુવકોની આત્મહત્યા

મરાઠાઓને ઓબીસી તરીકે અનામત સામેના વિરોધમાં કરુણાંતિકા
બીડ અને પરભણીમાં બે અલગ અલગ કિસ્સામાં મરાઠાઓને અનામતથી ઓબીસી સમાજને અન્યાય થયો છે, અમારું કોઈ ભવિષ્ય રહ્યું નથી તેવી નોટ સાથે ગળેફાંસો
મુંબઈ - ઓબીસી અનામત ખતરામાં હોવાનું કહીને બે અલગ અલગ ઘટનામાં બે યુવકોએ વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બંને પાસેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. ઓબીસી અનામત માટે આ મારુ બલિદાન હોવાનું લખીને બંને યુવકોએ આત્મહત્યા કરી હતી.
પ્રથમ કિસ્સામાં બીડના ખંડેશ્વરી વિસ્તારના રહેવાસી ૩૫ વર્ષીય રાહુલ પતંગેએ પોતાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે મરાઠા સમુદાયને ઓબીસી શ્રેણીમાં મૂકવી એ અન્યાય છે. માનનીય મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓ તમે જે મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં મૂક્યા છે. તે ઓબીસીઓ સાથે અન્યાય છે. જો કે, ઓબીસી ભાઈઓએ લક્ષ્મણ હાકે આંદોલનમાં વધુમાં વધુ ભાગ લેવો જોઈએ. હું ઓબીસી માટે બલિદાન આપી રહ્યો છું.
આ ઘટના બાદ રાહુલ પતંગેની પત્નીએ આ અંગે બીડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૪ સપ્ટેમ્બરના રોજ રાહુલ પતંગેની તબિયત ખરાબ હતી. આ બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ રાહુલે તેની પત્ની પાસેથી પચાસ રુપિયા માંગ્યા હતા અને ઘરેથી નીકળી ગયો હતો. આ બાદ પોતાનો ફોન કરી લીધો હતો. ત્યારબાદ સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ રાહુલ ઝાડ સાથે ગળેફાસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા કિસ્સામાં પરભણીના જિંતુર અડગાંવ દરેડના રહેવાસી ચાર બહેનોના એકમાત્ર ભાઈ એવા ૨૨ વર્ષીય કુમાર આઘાવે આ આત્યંતિક પગલુ ભર્યું હતું. તેની પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. આમાં લખ્યું હતું કે હું ઓબીસી માટે અનામત સમાપ્ત થઈ ગયું છે. તેથી છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત સારી નથી. મારા મગજમાં સતત આ જ વિચારો ફરી રહ્યા છે. આ કારણે આપણા યુવાનોને મોટુ ંનુકસાન થયું છે.
ઘટના મુજબ, બુધવારે સવારે કુમાર તેના ખેતરમાં ગયો હતો અને વૃક્ષ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાધો હતો. જિંજુર પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.








