Get The App

મદદ માગવા આવેલી અનાથ તરુણી પર સોશિયલ મીડિયા ફ્રેન્ડ દ્વારા બળાત્કાર

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
મદદ માગવા આવેલી અનાથ તરુણી પર સોશિયલ મીડિયા ફ્રેન્ડ દ્વારા બળાત્કાર 1 - image

ડોમ્બિવલીની તરુણી પાસેથી મિત્રએ પૈસા પણ પડાવી લીધા

બહેનપણીના પિતાએ માર માર્યાની ફરિયાદ કરવી હતી, મિત્ર પોલીસ મથકને બદલે નિર્જન સ્થળે લઈ ગયો

મુંબઈ  -  ડોમ્બિવલીમાં માણસાઈને લજાવે તેવી એક ઘટનામાં સોશિયલ મીડિયા ફ્રેન્ડ પાસે મદદ માગવા ગયેલી એક અનાથ તરુણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તરુણીની ફરિયાદના આધારે માનપાડા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી ક્રિશ ભોઈરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. ભોઈરને કોર્ટમાં હાજર કરવામાં આવતા પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગત ડોમ્બીવલીમાં એકલ રહેતી અનાથ તરુણી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલા એક ખોટા પ્રકરણમાં ગેરસમજને લીધે તેની એક બહેનપણીના કુટુંબીજનોએ તેની મારપીટ કરી હતી.આ ઘટના રવિવારે રાત્રે બની હતી.આ પ્રકરણમાં બહેનપણીના પિતાનો પણ સમાવેશ થતો હોવાથી આ વાતથી દુઃખી થયેલ તરુણીને આ ઘટનાથી આંચકો લાગ્યો હતો. તરુણીને આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવી હતી તેથી તેણે સોશિયલ મીડિયા પર મિત્ર બનેલ ક્રિશ ભોઈર(૨૨) નામના મિત્રને મદદ માટે ફોન કર્યો હતો. ભોઈર તાત્કાલિક તરુણીની મદદ કરવા દોડી આવ્યો હતો. તેણે યુવતીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું આશ્વાસન આપ્યું  અને સાથે લઈ ગયો હતો. જોકે ભોઈર પીડિત તરુણીને રાત્રે નિર્જન સ્થળે લઈ ગયો અને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. તે આટલેથી અટક્યો નહોતો પણ અત્યાચાર ગુજાર્યા બાદ તરુણીના ગુગલ પે એકાઉન્ટથી પોતાના ખાતામાં અમૂક પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા.પીડિતાના મોબાઇલનું સીમકાર્ડ કાઢી નાખ્યા બાદ તેને છોડી ભાગી છૂટયો હતો. 

આ ઘટના બાદ યુવતી પડી ભાંગી હતી. જોકે બીજે દિવસે હિંમત કરી તે ડોમ્બિવલીના માનપાડા પોલીસ મથકમાં પહોંચી ગઈ હતી અને તેની સાથે બનેલ દુષ્કર્મની પોલીસને જાણ કરી હતી. માનપાડા પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

માનપાડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભોઈરને શોધી કાઢી  તેની ધરપકડ કરી હતી. ભોઈરે આ રીતે લાચારીનો ફાયદો ઉઠાવી અન્ય કોઈ તરુણી પર આ રીતે અત્યાચાર ગુજાર્યો છે કે કેમ તેની ઊંડી તપાસ આદરી છે. ભોઈરને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.