Get The App

ઓરીએ કોન્સર્ટની મોજ માણી પણ પોલીસ સમક્ષ નિવેદન આપવા ન આવ્યો

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
ઓરીએ  કોન્સર્ટની મોજ માણી પણ પોલીસ  સમક્ષ  નિવેદન આપવા ન આવ્યો 1 - image

પોલીસને મેસેજ આપ્યો,  બહારગામ જવું છે એટલે બીજી  તારીખ આપો

252 કરોડના ડ્રગ કેસમાં  દાઉદના ભાણેજ સાથે પાર્ટીના આક્ષેપો માટે સમન્સ છતાં બેફિકરાઈથી ટ્રાવિક સ્કોટના કોન્સર્ટમાં નાચ્યો

મુંબઈ -  અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓનો દોસ્ત  અને ઓરીનાં હુલામણાં નામથી વધારે જાણીતો  ઓરહાન અવત્રામણિ દાઉદના ભાણેજની હાજરીમાં રેવ પાર્ટીમાં હાજરીના આક્ષેપોના કેસમાં મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ છતાં પણ આજે ઘાટકોપર ખાતે હાજર થયો ન હતો. ઓરીએ પોતાને બહારગામ જવાનું હોવાથી હાજર થઈ શકે તેમ નથી તેવું કારણ રજૂ કર્યું હતું. જોકે, બુધવારે મોડી રાત સુધી ઓરી મહાલક્ષ્મી ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય  રેપર ટ્રાવિસ સ્કોટની કોન્સર્ટની મોજ માણતો જોવા મળ્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ, ઓરીએ પોલીસને પોતાના નિવેદન માટે પચ્ચીસ નવેમ્બર પછીની તારીખ આપવા જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે હાલ  શહેરમાં નથી અને તેથી ગુરુવારે પૂછપરછ માટે હાજર રહી શકશે નહીં. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સાંગલીથી પકડાયેલી ડ્રગ ફેક્ટરીના કેસની તપાસમાં ૨૫૨ કરોડના ડ્રગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ડ્રગ કાર્ટેલનો મૂખ્ય સુત્રધાર મહોમ્દ શેખ ઉર્ફે લાવિશ દુબઈથી ડિપોર્ટ થયા બાદ મુંબઈમાં ઝડપાયો છે. તેના રિમાન્ડ મેળવવા માટેની અરજીમાં મહોમ્મદ શેખે દાવો કર્યો હતો કે શ્રધ્ધા કપૂર, તેનો ભાઈ સિદ્ધાંત કપૂર, ઓરી,  ઝિશાન સિદ્દિકી, અબ્બાસ મસ્તાન, રેપર લોયા, નોરા ફતેહી સહિતના સેલિબ્રિટીઓ દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહની હાજરી ધરાવતી રેપ પાર્ટીઓમાં હાજર હતા. આ આક્ષેપને નોરા ફતેહી નકારી ચુકી છે.  મોહમ્મદ શેખ સાચું જ બોલે છે કે કેમ તે ચકાસવા પોલીસ તેણે જેના નામ લીધાં છે તે તમામ સેલિબ્રિટીઓની પૂછપરછ કરવાનું ધારી રહી છે. તેના ભાગ રુપે ઓરીને સમન્સ અપાયા હતા. 

મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવ્યા છતાં ઓરી ૧૯ નવેમ્બરના રોજ મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે આયોજેલી આંતરરાષ્ટ્રીય રેપર ટ્રેવિસ સ્કોટના કોન્સર્ટમાં હાજરી આપતો જોવા મળ્યો હતો. ઓરિ અહીં બેફિકરાઈથી ગીતો ગાતો, નાચતો અને ભીડ વચ્ચે પોતાના વીડિયો શૂટ કરતો અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.  

આ પહેલી વાર નથી જ્યારે ઓરી કાનૂની મુશ્કેલીમાં ફસાયો  હોય.  આ અગાઉ ૧૫ માર્ચના વૈષ્ણોદેવી મંદિર નજીક કટરાની એક હોટલમાં દારુ પીવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેના ફોટા વાયરલ થયા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.