વસઈના બ્રેઈનડેડ યુવકના અંગદાનથી 3ને નવજીવન

મુંબઈ વિભાગનું ૪૫મું બ્રેઈનડેડ અંગદાન થયું
મુંબઇ - અંગદાન બાબતે લોકોમાં ધીમેધીમે જાગૃતિ આવી રહી છે. વસઈમાં રહેતો ૨૪ વર્ષીય યુવક સત્યમ દુબે બાઈક અકસ્માતમાં ગંભીર ઘાયલ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન ડૉક્ટરે તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. બાદમાં હૉસ્પિટલના આરોગ્ય કર્મચારીઓએ સત્યમના પિતાને અંગદાન વિશે માહિતગાર કરતાં આ યુવકના અંગદાનથી ત્રણ જણને નવું જીવન મળ્યું છે.
સત્યમના પિતાએ પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અંગદાન માટે સહમતિ દાખવી હતી. આથી વસઈની એક હૉસ્પિટલમાં બુધવારે લિવર, બે કિડની, આંખ અને પેશી વગેરે અવયવોનું દાન કરાયું હતું. આ મુંબઈ વિભાગનું ૪૫મું બ્રેઈનડેડ અવયવદાન હતું. રાજ્યમાં અવયવની જરુરિયાત ધરાવનારાઓની યાદી મોટી છે. જેની તુલનાએ પૂરતું અવયવદાન હજી થતું નથી. આથી સરકાર અને આરોગ્ય વિભાગ અવયવદાન તરફ વધુ ભાર આપી રહી છે.
અવયવદાન બાદ સત્યમના પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો સારવાર દરમ્યાન બ્રેઈનડેડ થયો હતો. છતાં અમે થોડો સમય રાહ જોઈ. ત્યારબાદ ડૉક્ટરે મને અવયવદાનની માહિતી આપી અને સંબંધીઓ સાથે વાત કરી મેં અવયવદાનનો નિર્ણય લીધો. આથી તે પોતે ન હોય તોય ત્રણ જણ જેને આ અવયવો પ્રાપ્ત થયાં છે, તેમાં જીવંત રહેશે.








