ઇસ્ટર્ન એક્સપ્રેસ-વે પર એક ટ્રકે સ્કૂટરને ટક્કર મારી હતી
દંપતીના મોતના કિસ્સામાં ટ્રક માલિક અને વીમા કંપની સંયુક્ત રીતે દાવાની રકમ ચુકવશે ઃ થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યૂનલનો આદેશ
મુંબઈ - રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના પરિવારને રૃ. ૧.૧૫ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. મુંબઈના વિક્રોલી વિસ્તારમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ફિરોજ શાહ મહેતા બ્રિજ પાસે બીજી ફેબુ્રઆરી, ૨૦૧૯મીએ અકસ્માત થયો હતો. સ્કૂટર પર જઈ રહેલા દંપતીના સ્કૂટરને બપોરે ૨.૦૦ કલાકે એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. બન્ને પતિ, પત્ની રોડ પર પડી ગયા હતા તે પછી ટ્રકના વ્હીલ્સ તેમના પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ટ્રક ડ્રાઇવર અકસ્માત પછી ઊભો રહ્યો નહોતો, પણ ફરાર થઈ ગયો હતો. સ્કૂટર પર બેઠેલી નવ વર્ષની પુત્રી હેમખેમ બચી ગઈ હતી.
થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ પુત્રીને રૃ. ૭૫.૨૯ લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. બાળકીના દાદાને રૃ. ૨૦ અને દાદીને ૨૦ લાખ વળતર આપવામાં આવશે.
મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલના સભ્ય આરવી મોહિતેએ અવલોકન કર્યું હતું કે ટ્રક ડ્રાઇવરની ભૂલના લીધે અકસ્માત થયો હતો.
ટ્રકનો માલિક ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયો નહોતો અને 'એક્સ પાર્ટે' (એક પક્ષી) વીમા લેનારી કંપનીએ દાવો ચૂકવવા સામે વિવિધ વાંધાઓ ઉઠાવ્યા હતા. પોલીસ દસ્તાવેજો, ઇન્વેસ્ટિગેશન અધિકારી (આઇઓ)નો રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો વગેરે પર ટ્રિબ્યુનલે આધાર રાખ્યો હતો. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે 'ટ્રક ડ્રાઇવર સ્પીડ પર નિયંત્રણ લાવી શક્યો નહોતો. અકસ્માત નિવારવા માટે છેલ્લી તક ટ્રક ડ્રાઇવર પાસે જ હતી. મૃતકનો અકસ્માત માટે કોઈ બેદરકારી હોય તો સાબિત કરવા ટ્રક માલિક કે વીમા કંપની પુરાવાઓ રજૂ કર્યા નથી.'
સ્કૂટરચાલક એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો. બે જુદા જુદા દાવાઓ સામે ટ્રિબ્યુનલે અનુક્રમે રૃ. ૯૨,૩૪,૪૮૪ (પતિ) અને રૃ. ૨૨,૯૫,૧૦૦ (પત્ની) માટે ચુકવવા એટલે કે કુલ રૃ. ૧,૧૫,૨૯,૫૮૪નું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
ટ્રક માલિક અને વીમા કંપનીએ ભેગા મળીને રકમ ચૂકવવા અને દાવા પીટિશનની તારીખથી નવ ટકા વ્યાજના દરે વ્યાજ ચુકવવા આદેશ કર્યો હતો.


