અરુણા ઈરાનીને સોસાયટીએ ફટકારેલો દંડ રદ કરવા આદેશ
સોસાયટી રજિસ્ટ્રાર દ્વારા આદેશ અપાયો
દુકાનો બહારની ખુલ્લી જગ્યાના ઉપયોગ માટે સોસાયટીએ મેઈનટેનન્સ બિલમાં રકમ ચઢાવી હતી
મુંબઇ - અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીએ અભિનેત્રી અરુણા ઇરાની અને નિર્માતા અવતાર (કુકુ) કોહલીને તેમની પાંચ દુકાનોની બહારની ખુલ્લી જગ્યાનો અનધિકૃત ઉપયોગ થઇ રહ્યો હોવાનું કહી દર મહિનાના મેન્ટેનન્સ બિલમાં માસિક રૃા.૨૬,૫૯૫/-ની પેનલ્ટી ફટકારી હતી જે ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કો.ઓ. સોસાયટી (કે વેસ્ટ વોર્ડ) એ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બાબતનો નિર્દેશ કરતા રજિસ્ટ્રારે નોંધ્યું હતું કે દુકાન માલિકોને તેમની દુકાનોની સામેની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ છે. અને સોસાયટી કાનૂની સમર્થન વિના મનસ્વી રીતે ચાર્જ વસૂલ કરી શકે નહિ અથવા અતિક્રમણનો દાવો કરી શકતી નથી, આ સિવાય નિયમિત જાળવણી ફીના પાંચ ગણા દંડને ગેરવાજબી અને મોડેલ બાય-લોની વિરુદ્ધ ગણાવ્યો હતો. જેના કાયદાના ઉલ્લંઘન માટે વાર્ષિક મહત્તમ રૃા. પાંચ હજારના દંડની મંજૂરી આપવામાં આવી છે.
દંપતીની ફરિયાદ અનુસાર સોસાયટીએ નવેમ્બર ૨૦૧૮ની એજીએમમાં પૂર્વ સૂચના આપ્યા વિના તેમજ દંપતીને પ્રતિભાવ આપવાની તક આપ્યા વિના ઠરાવ પસાર કર્યો હતો અને સોસાયટીએ દંડ પર ૧૦૦ ટકા માસિક વ્યાજ પણ લાદ્યુ હતું. રજિસ્ટ્રારે ૨૬ જૂનના તેમના આદેશમાં પૂર્વવર્તી દંડની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે ગેરકાયદેસર હોવાની સાથે દુકાનના માલિકનો વ્યવસાયમાં પણ અવરોધક છે.
રજિસ્ટ્રારે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે કોઇ પણ સત્તાવાળા દ્વારા અતિક્રમણની કોઇ સૂચના જારી કરવામાં આવી નહોતી અને કોર્પોરેશને કયારેય દુકાનદારો દ્વારા ઓટલાનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો નહોતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટી કમિટીએ કાયદાકીય આધાર વિના કઠોર દંડ લાદવા માટે બહુમતીનો ઉપયોગ કરી અન્યાયી વર્તન કર્યું છે એમ જણાવાયું હતું.