Mumbai

ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની સાબિતી મળી

By GS TEAM
10 Aug 20252 mins read
ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની સાબિતી મળી

ડીઆઇએટીના ૧૪મા દીક્ષાંત સમારંભમાં ચેરમેન કામતનું નિવેદન

જવાનોની બહાદુરીની સાથે સ્વદેશી ટેકનોલોજીના પીઠબળથી મિલિટરી સ્ટ્રાઇક સફળ થઇ

મુંબઇ - ઓપરેશન સિંદૂર દ્વારા સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની સાબીતી દુનિયાને મળી હતી એમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના ચેરમેન સમીર કામતે આજે જણાવ્યું હતું.

પુણે સ્થિત ડિફેન્સ ઇન્સ્ટીટયૂર ઓફ એડવાન્સ ટેકનોલોજી (ડીઆઇએટી)ના  ૧૪મા દીક્ષાંત સમારંભ પ્રસંગે તેમણે જણાવ્યું હતું, કે ઓપરેશન સિંદૂરની મિલિટરી સ્ટ્રાઇકે આત્મનિર્ભરતા, વ્યૂહાત્મક દીર્ઘદ્રષ્ટિ અને સ્વદેશી ટેકનોલોજીના બળ પર ભારત પોતાની તાકાત પર મુઠ્ઠી ઊંચેરૃ સ્થાન મેળવવા સક્ષમ છે એ પૂરવાર કર્યું હતું.

ઓપરેશન સિંદૂરની સફળતામાં જાંબાઝ જવાનોની બહાદુરી ઉપરાંત ટેકનોલોજીના મજબૂત પીઠબળે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઓપરેશન સિંદૂર એક મિશન કરતાં પણ કંઇક વધુ હતું. ઓપરેશન સિંદૂરે દુનિયાને દેખાડી દીધું કે ભારત સ્વદેશી ટેકનોલોજીના બળ પર સીમાડાઓની રક્ષા કરવા સક્ષમ છે.

ડીઆરડીઓના વડાએ કહ્યું હતું કે અત્યાધુનિક સેન્સર સિસ્ટમ, માનવરહિત પ્લેટફોર્મ્સની કામગીરી, એ.આઇ. (આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી સચોટ પ્રહારની કાબેલિયત અને આસપાસના વિસ્તારને નુકસાન ન થાય એ રીતે ચોક્કસ સ્થાન પર પ્રહારની હાંસલ કરેલી કાબેલિયતે ઓપરેશન સિંદૂરમાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો. આકાશ સરફેસ ટુ એર મિસાઇલ, મિડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, ડી-૪ એન્ટી-ડ્રોન સિસ્ટમ, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને આકાશતીર સિસ્ટમ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી વિકસાવવામાં આવી છે.

કાશ્મીરના પહલગામમાં ગઇ ૨૨મી એપ્રિલે પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬ ટુરિસ્ટોનો ભોગ લીધો તેનો બદલો લેવા ૭મી મેના રોજ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકીઓના અડ્ડા પર પૂરી તાકાતથી હુમલો કર્યો હતો.