મહારાષ્ટ્રમાં ફક્ત એક જ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષી બચ્યું :અસ્તિત્વ જોખમમાં

વન વિભાગ દ્વારા થયેલી વસતિ ગણતરીનો ચિંતાજનક અહેવાલ
ઘાસવાળા મેદાન ઘટતાં તથા આડેધડ વિકાસની અસરની શંકાઃ કેન્દ્રની યોજના અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં રિઝલ્ટ નહિ
મુંબઇ - મહારાષ્ટ્રમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ( જી.આઇબી -- ઘોરાડ અને માળઢોક)ના અસ્તિત્વ સામે જોખમ ઝળુંબી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના વન વિભાગ દ્વારા ગત ૧૨મી મેએ નિસર્ગ અનુભવ અંતર્ગત પ્રાણીઓની અને પક્ષીઓની વસતિ ગણતરી થઇ હતી. તે દરમિયાન મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા નાનજ અભયારણ્ય(જે મલઢોક અભયારણ્ય તરીકે પણ જાણીતું છે)માં એક પણ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષી જોવા મળ્યું નહોતું.
વન વિભાગનાં સૂત્રોએ જોકે એવી સ્પષ્ટતા કરી હતી કે અગાઉનાં વર્ષ દરમિયાન થયેલી વસતિ ગણતરીમાં જીઆઇબી જોવા મળ્યાં હતાં. ઘણાં વરસોથી જીઆઇબી પક્ષીઓની મોટી વસાહત આ જ નાનજ અભયારણ્યમાં છે.
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(બીએનએચએસ--મુંબઇ)ના પક્ષી નિષ્ણાત સુજિત કુમાર નરવડેએ અને રોહન ભાટેએ ' ગુજરાત સમાચાર'ને કહ્યું છે કે હાલ આખા મહારાષ્ટ્રમાં ફક્ત એક(૧) ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષી છે. તેપણ માદા છે. આજથી ૧૦ -૨૦ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં જીઆઇબીની સંખ્યા ૩૦ -૩૫ કરતાં વધુ હતી. જોકે રાજ્યમાં વધી રહેલાં વિકાસ કાર્યો, ઘાસવાળા વિસ્તારોની ઘટી રહેલી સંખ્યા વગેરે પરિબળોને કારણે આજે જીઆઇની સંખ્યા ફક્ત એક રહી ગઇ છે. આમ, મહારાષ્ય્રમાં જીઆઇબીનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન, કલાઇમેટ ચેન્જ વિભાગે ભારતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ(જી.આઇ.બી. - જેને ઘોરાડ પક્ષી કહેવાય છે) અને લેસર ફ્લોરિકન પક્ષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ૫૬ કરોડ રૃપિયા મંજુર કર્યા છે.કેન્દ્રએ તૈયાર કરેલી વિશેષ યોજનામાં ઘોરાડ અને લેસર ફ્લોરિકન પક્ષીઓનું સંવર્ધન, ઉછેર કેન્દ્રો, સલામત ઉછેર, વસાહતોનું રક્ષણ અને વિકાસ કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. લેસર ફ્લોરિકન આમ તો ઘોરાડના કુળનું જ અને થોડા નાના કદનું પક્ષી છે. ઉપરાંત, સર્વોચ્ચ અદાલતે પણ જીઆઇબીની સલામતી માટે ચોક્કસ માર્ગદર્શિકા જારી કરી છે. આમ છતાં મહારાષ્ટ્રમાં જીઆઇબીની સંખ્યા કયાં પરિબળોને કારણે સતત ઘટી રહી છે તેબાબત ચિંતાજનક છે.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(આઇ.યુ.સી.એન.) દ્વારા ભારતનાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ્ઝ(ઘોરાડ પક્ષીઓ)ને અને લેસર ફ્લોરિકન બંને પક્ષીઓને ,અસ્તિત્વ સામે જોખમ ઝળુંબતાં હોય તેવાં પક્ષીઓની શ્રેણીમાં મૂક્યાં છે.
વસતિ ગણતરી દરમિયાન નાનજ અભયારણ્ય અને તેની આજુબાજુના ઘાસવાળા વિસ્તારોમાં કુલ ૧,૧૮૩ જંગલી પ્રાણીઓની નોંધ લેવામાં આવી છે. ઉપરાંત, પક્ષીઓ સહિત અન્ય પ્રજાતિના જીવની પણ નોંધ લેવામાં આવી છે, જેમાં સાત વરુ, આઠ શિયાળ, આઠ ઘો, ૧૨ નોળિયા, ૧૧ જંગલી બીલાડી, ૪૪૫ જંગલી રીંછ, ૩૪૨ કાળિયાર, ૫૦ મોર, ૨૬ સસલાંની નોંધ થઇ છે. ઉપરાંત, ઘુવડ, શાહુડી, જંગલી કૂતરા, સાંમ્બર વગેરેની નોંધ પણ થઇ છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં ફક્ત ૧૪૦ ઘોરાડ
હાલ આખા ભારતમાં ફક્ત ૧૪૦ ઘોરાડ પક્ષીઓ છે, જ્યારે લેસર ફ્લોરિકનની સંખ્યા ૧,૦૦૦ છે. મહારાષ્ટ્રમાં સોલાપુર અને અહમદનગર એમ ફકત બે જ જિલ્લામાં ઘોરાડ જોવા મળે છે.વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા(ડબલ્યુ.આઇ.આઇ.--દેહરાદૂન) દ્વારા થયેલા છેલ્લા સર્વેક્ષણ મુજબ મહારાષ્ટ્રના આ બંને જિલ્લામાં ઘોરાડ પંખીઓ જાણે કે અદ્રશ્ય થઇ ગયાં હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ગુજરાતમાં કચ્છ જિલ્લાના નલિયા અને આજુબાજુના વિસ્તારમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જોવા મળે છે. આંધ્રમાં એક, કર્ણાટકમાં લગભગ ૨ -૩ જીઆઇબી જોવા મળે છે, જ્યારે લેસર ફ્લોરિકન રાજસ્થાનમાં જોવા મળે છે.
ઘોરાડના ં કૃત્રિમ પ્રજનનમાં ભારતને સફળતા
ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ(જી.આઇ.બી.)નું કૃત્રિમ પ્રજનન કરવાનો સફળ પ્રયોગ કરવામાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. આ પક્ષીનું કૃત્રિમ પ્રજનન કરવાની વિશિષ્ટ તબીબી પદ્ધતિમાં ભારતને પહેલી જ વખત ઉજળી સફળતા મળી છે. કૃત્રિમ પ્રજનનનો વિશિષ્ટ પ્રયોગ જેસલમેરના ડેઝર્ટ નેશનલ પાર્કમાં કરવામાં આવ્યો છે.
આ વિશિષ્ટ પ્રયોગ માટે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા(ડબલ્યુ.આઇ.આઇ.) ના વિજ્ઞાાનીઓને અબુધાબીના ઇન્ટરનેશનલ ફંડ ફોર હાઉબારા કન્ઝર્વેશન દ્વારા ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે.
૧૮ કિલો વજન છતાં ઉડી શકે છે
નર ઘોરાડની ઉંચાઇ ૧૦૦થી ૧૧૦ સેન્ટીમીટર(૩ ફૂટ-૭ ઇંચ) જેટલી હોય જ્યારે માદા ઘોરાડની ઉંચાઇ થોડી ઓછી હોય. નર ઘોરાડ શારીરિક રીતે તગડો-જાડો હોય જ્યારે માદા ઘોરાડ થોડી પાતળી હોય.
હાલ ભારતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સૌથી વધુ ૧૮ કિલો વજન ધરાવતું અને ઉડી શકતું હોય તેવું પક્ષી છે. તેનો આહાર ઘાસમાં રહેતાં સુક્ષ્મ જંતુઓ હોય.
ઘોરાડના માથા પર નાનકડો કાળો પટ્ટો હોય, પક્ષીનું ગળું લાંબું હોય અને તેનો રંગ બ્રાઉન-ભૂખરો- હોય.પીઠનો રંગ કાળો જ્યારે પેટ સફેદ હોય.
ઘોરાડનું આયુષ્ય ૧૫-૧૭ વર્ષનું હોય









