Mumbai

એન્જિનીયરીંગના પ્રથમ રાઉન્ડમાં માત્ર 32 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ

By GS TEAM
6 Aug 20252 mins read
એન્જિનીયરીંગના પ્રથમ રાઉન્ડમાં માત્ર 32 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ

1.12 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ નકાર્યો 

આજથી ફોર્મ અને પસંદગીક્રમ ભરી શકાશે, બીજા રાઉન્ડનું મેરિટ ૧૧ ઑગસ્ટે જાહેર થશે

મુંબઇ - મહારાષ્ટ્ર રાજ્ય સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) સેલ દ્વારા ચલાવાતી એન્જિનીયરીંગ એડમિશન પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં માત્ર ૩૨,૬૩૫ વિદ્યાર્થીઓએ જ એડમિશન લીધું છે. પ્રથમ મેરિટમાં ૧,૪૪,૭૭૬ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. પ્રવેશ માટે અપાયેલી મુદ્દતમાં માત્ર  પચ્ચીસ  હજાર વિદ્યાર્થીઓએ જ એડમિશન લીધું હતું. આથી એક દિવસની મુદ્દત વધારાઈ હતી. તે દરમ્યાન ૬,૯૮૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. 

સીઈટી સેલ  દ્વારા એન્જિનીયરીંગ કોર્સના પ્રથમ રાઉન્ડ માટે ૩૧ જુલાઈના રોજ મેરિટ જાહેર કરાયું હતું. પ્રથમ રાઉન્ડ માટે ૨,૧૭,૩૩૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું. તેમાંના ૧,૯૯,૭૪૮ વિદ્યાર્થીઓએ કોલેજમાં પસંદગીક્રમ નોંધાવ્યો હતો. તેમાંથી ૧,૪૪,૭૭૬ વિદ્યાર્થીઓને એડમિશનની તક મળી. તેમજ પ્રથમ રાઉન્ડમાં ૧૫,૮૫૨ વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગીની કોલેજ મળી હતી. આ વિદ્યાર્થીઓને પહેલીથી ત્રીજી ઑગસ્ટના બપોરે ૩ વાગ્યા સુધીમાં કોલેજમાં જઈ પ્રવેશ લેવાનો હતો.

પરંતુ ત્રીજી ઑગસ્ટની બપોરે ૧ વાગ્યા સુધીમાં ૨૫,૬૫૦ વિદ્યાર્થીઓએ એડમિશન લેતાં ચોથી ઑગસ્ટ સુધી મુદ્દત લંબાવાઈ હતી. તેમાં ૬,૯૮૫ વિદ્યાર્થીઓએ એડમિશન લેતાં કુલ માત્ર ૩૨,૬૩૫ વિદ્યાર્થીઓના જ પ્રવેશ થયાં. આથી અનેક વિદ્યાર્થીઓએ એડમિશનથી મોં ફેરવ્યું હોવાનું જણાય છે.

હવે ૬ થી ૮ ઑગસ્ટ દરમ્યાન બીજા રાઉન્ડ માટે ફોર્મ અને પસંદગીક્રમ ભરી શકાશે. તેમજ ૧૧ ઑગસ્ટના રોજ બીજા રાઉન્ડનું મેરિટ જાહેર થશે. આ યાદીમાં પાત્ર વિદ્યાર્થીઓ ૧૨ થી ૧૪ ઑગસ્ટના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી કોલેજમાં જઈ પ્રવેશ લઈ શકશે.