Mumbai

મુંબઈમાં અંતિમ સંસ્કાર માટે આજથી ઓનલાઈન બૂકિંગ શરુ

By GS TEAM
19 Jul 20252 mins read
મુંબઈમાં અંતિમ સંસ્કાર માટે આજથી ઓનલાઈન બૂકિંગ શરુ

સ્મશાન ખાલી છે કે કેમ તે જાણી શકાશે

બૂક કરાયેલા ટાઈમ સ્લોટમાં અંતિમયાત્રા નહિ પહોંચે તો આ સ્લોટ અન્યોને ફાળવી  દેવાશે

મુંબઈ -  રોજબરોજના  જીવનમાં બધું જ ઓનલાઈન થતું જાય છે ત્યારે હવે મુંબઈ મહાનગર પાલિકાએ અંતિમ-સંસ્કાર માટે પણ ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલે શનિવારથી અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન ટાઈમ-સ્લોટ બુક કરી શકાશે.

બીએમસીના આરોગ્ય વિભાગ તરફથી અંતિમ-સંસ્કારને લગતી ઓનલાઈન સેવા પૂરી પાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ માટે જ્યોગ્રાફિક્લ ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત એપ (એપ્લિકેશન) સેવા શરૃ કરવાનું નક્કી કર્યું છે. મહાપાલિકાની વેબસાઈટ પરથી આ સ્લોટ બૂકિંગ થઈ શકશે. 

આવતી કાલથી આ સેવા શરૃ થયા પછી મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત સ્મશાનભૂમિ અને દફનભૂમિમાં  અંતિમવિધિ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ક્યા સમયે અંતિમ વિધિ માટે સ્મશાન કે દફનભૂમિમાં પહોંચાશે તેનો ટાઈમ-સ્લોટ નોંધવવાનો રહેશે. નિર્ધારિત સમયે જો નહીં પહોંચાય તો એ ટાઈમ  સ્લોટ બીજાને ફાળવી દેવામાં આવશે.

ઓનલાઈન સિસ્ટમને લીધે અંતિમવિધિ પાર પાડવામાં સમય જળવાશે એટલું જ નહીં આ પદ્ધતિથી નાગરિકો માટે સ્મશાનભૂમિ કે દફનભૂમિમાં કાર્યરત કર્મચારીઓ સાથે સમન્વય સાધવાનું કાર્ય પણ સરળ બની જશે.

આ  ઓનલાઈન સેવા અંતર્ગત મૃત્યુ પામેલી વ્યક્તિના નિવાસસ્થાનથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં અથવા બીએમસી સંચાલિત બીજી કોઈપણ સ્મશાભૂમિ કે દફનભૂમિમાં સમયની નોંધણી (ટાઈમ સ્લોટ) થઈ શકશે.

ટાઈમ સ્લોટ બુક થઈ ગયા પછી સ્મશાન કે દફનભૂમિના કર્મચારીઓ તરફથી એસએમએસ દ્વારા નાગરિકને માહતી આપવામાં આવશે. મુંબઈમાં એકંદર ૨૦૧ સ્મશાનભૂમિ છે, જેમાંથી બીએમસીના ૮૮ અને ૧૧૩ ખાનગી સ્મશાન છે. મહાપાલિકા બાવન હિન્દુ સ્મશાન, પચ્ચીસ મુસ્લિમ કબ્રસ્તાન અને ૧૧ ખ્રિસ્તી દફનભૂમિ છે. ૧૦ સ્મશાનોમાં વિદ્યુત દાહિની અને ૧૮ સ્મશાનમાં ગેસની ચિતા છે.