મુંબઇમાં મોબાઇલ વેન દ્વારા રાહતના દરે ડુંગળીનું વેચાણ

કાંદાના ભાવ કાબૂમાં રાખવા કેન્દ્રનો નુસ્ખો
મુંબઇ, અમદાવાદ, દિલ્હીમાં ૨૪ રૃપિયે કિલોના ભાવે વેચાણની શરૃઆત
મુંબઈ - કાંદાના ભાવ કાબૂમાં રહે અને ગ્રાહકો રાહતના દરે મેળવી શકે એ માટે કેન્દ્ર સરકારે નવો નુસ્ખો અજમાવ્યો છે. એન.સી.સી.એફ. (નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) દ્વારા આજથી મુંબઇમાં મોબાઇલ વેનમાં રાહતના દરે કાંદાનું વેચાણ શરૃ કરવામાં આવ્યું છે.
તળ મુંબઇ અને ઉપનગરોમાં આ વાહનો ફરશે અને બજાર- ભાવ કરતા ઓછા દરે કાંદાનું વેચાણ કરશે એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.
એન.સી.સી.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે રોજ દસ ટન કાંદાનું વેચાણ થશે એવી અમારી ધારણા છે. ગયા વર્ષે કાંદાના ભાવ ૧૦૦ રૃપિયા પર પહોંચી ગયા બાદ સરકારે આ યોજના શરૃ કરી હતી અને ૩૫ રૃપિયે કિલોના ભાવે કાંદાનું વેચાણ કર્યું હતું. આ વખતે ૨૪ રૃપિયે કિલોના ભાવે મુંબઇ, દિલ્હી, અમદાવાદમાં વેચાણ શરૃ કર્યું છે.
આ મોબાઇલ વેન કયા એરિયામાં ફરે છે એ એનસીસીએફની વેબસાઇટ પર જોઇ શકાશે. મુંબઇમાં અત્યારે સારી ક્વોલિટીના કાંદા ૩૦થી ૩૫ રૃપિયે કિલોના ભાવે વેંચાય છે. તેને બદલે મોબાઇલ વેનમાંથી ૨૪ રૃપિયે કિલોના ભાવે ખરીદી શકશે.








