Mumbai

દિવાળી દરમ્યાન કાંદાના ભાવ વધુ ગગડવાની શક્યતા

By GS TEAM
15 Oct 20251 min read
દિવાળી દરમ્યાન કાંદાના ભાવ વધુ ગગડવાની શક્યતા

તહેવારમાં ખેડૂતોની આંખમાં પાણી લાવશે

 બફર સ્ટોક પડયો છે  અને બીજી તરફ ગુજરાત-રાજસ્થાનથી નવી આવક  શરુ થશે ઃ કાંદાના બિયારણની નિકાસ પર પ્રતિબંધની માગણી

મુંબઇ  -  કાંદાના ભાવ નીચા છે એમાં  દિવાળીની આસપાસ કિંમત હજી પણ કિંમત ગગડવાની શક્યતા છે. ગ્રાહકોને આગામી દિવસોમાં કાંદા વધુ સસ્તા મળે તેમ છે. જોકે, મહારાષ્ટ્રના કાંદા પકવતા ખેડૂતો આ સિનારિયોને લીધે વધુ ચિંતમાં મૂકાઈ ગયા છે. 

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કાંદા ઉત્પાદક ખેડૂતો પાસે અત્યારે કાંદાનો ભરપૂર સ્ટોક છે. આ  પરિસ્થિતિમાં ગુજરાત અને રાજસ્થાનથી ખરીપ કાંદાની આવક શરૃ થવાની તૈયારી છે. અધૂરામાં પૂરૃં કર્ણાટકના ખેડૂતોએ પણ ખેતરોમાંથી કાંદાની લણણી શરૃ કરી દીધી છે. એટલે કર્ણાટકથી પણ કાંદા આવવા માંડશે. આ પરિસ્થિતિમાં કાંદાના ભાવ હજી નીચે જવાની પૂરી શક્યતા છે. બીજું પરદેશમાં અત્યારે ભારતીય કાંદાની ફક્ત દસ ટકા જ માગણી છે. એટલે નજીવી નિકાસને લીધે કોઇ ફાયદો થાય એમ નથી.

કાંદા નિકાસકાર એસોસિયેશન તરફથી કેન્દ્ર સરકારને કાંદાના બિયારણના નિકાસ પર પ્રતિબંધની માગણી કરી છે. કારણ કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય પાડોશી દેશો ભારતથી બિયાણ મગાવીને પોતાના દેશોમાં કાંદા ઉગાડવા માંડયા છે. અને ભારતીય  કાંદાની નિકાસને ફટકો પડયો છે.

અત્યારે ઉનાળું કાંદાનું ૯૦૦થી ૯૭૫ રૃપિયે ક્વિન્ટલ (૧૦૦ કિલો)ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. એટલે ટૂંકમાં નવેક રૃપિયે કિલોના ભાવે કાંદાના વેચાણથી ખેડૂતોની આંખમાં પાણી આવ્યા છે.