ફલેટનું પઝેશન ન આપ્યું, રિફંડના ચેક બાઉન્સ થયા
સાત વર્ષથી રકમ આપવાના ધાંધિયાઃ આરોપી ગેરહાજર રહેતાં બિનજામીનપાત્ર વોરન્ટ જારી
મુંબઈ - થાણે મેજિસ્ટ્રેટ કોર્ટે કુલ ૩૦ લાખની રિકમના બે ચેક બાઉન્સ થવાના કેસમાં બોરીવલીના રહેવાસીને કસૂરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.દાયકા જૂના મિલકત વિવાદની ગંભીર નોંધ લઈને આરોપીને ચેકની રકમ કરતાં બમણી ૬૦ લાખની રકમ ફરિયાદીને વળતરપેટે આપવા જણાવ્યું છે.
ઓગસ્ટ ૨૦૧૬માં વિવાદ શરૃ થયો હતો. ફરિયાદીએ થાણે પશ્ચિમમાં ટુ બીએચકેનો ફ્લેટ રૃ. ૭૦ લાખમાં ખરીદવા આરોપીનો સંપર્ક કર્યો હતો. એમઓયુ પહેલી ઓગસ્ટ ૨૦૧૭ના રોજ થયું હતું અને ૩૧ લાખની ચૂકવણી ચેક દ્વારા કરાઈ હતી. આરોપીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં ફ્લેટ સોંપવાનું વચન આપ્યું હતું પણ તેણે આપ્યો નહોવાથી ફરિયાદીએ સંપૂર્ણ રિફન્ડ માગ્યું હતું.
આની સામે આરોપીએ ૧૫ લાખના બે ચેક એપ્રિલ ૨૦૧૮માં આપ્યા હતા. જે બંને બાઉન્સ થયા હતા કેમ કે સહી જુદી હોવાની નોંધ કરાઈ હતી. કાનૂની નોટિસ આપવા છતાં રકમ અપાઈ નહોતી આથી ફોજદારી કેસ કરવામાં આવ્યો હતો.
આરોપીએ સાત વર્ષથી રકમ નહીં આપતાં ફરિયાદીને માનસિક અને આર્થિક તાણ અનુભવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. ચુકાદા સમયે આરોપી ગેરહાજર રહેતાં બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરાયું હતું.


