FOLLOW US

સમગ્ર વિશ્વમાં એક અબજ બાળકોનાં ફેફસાંમાં પ્રદૂષિત હવા ભરાય છે

Updated: Nov 25th, 2022


- સીઓપીડી ડે ની ઉજવણી એટલે પ્રદૂષણ મુક્ત વાતાવરણનો સંદેશો

- સતત ઉધરસ, દમ, શ્વાસોચ્છવાસની સમસ્યાનું ગંભીર  જોખમ ઝળુંબે છે

મુંબઇ: સમગ્ર વિશ્વમાં દર વરસે નવેમ્બરનો ત્રીજો બુધવાર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ ડે(જેને સીઓપીડી ડે પણ કહેવાય છે) તરીકે ઉજવાય છે.સીઓપીડી ડે ની ઉજવણીનો મુખ્ય હેતુ દુનિયાભરમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણ સર્જવાનો  તથા  નિરોગી જીવન જીવવાનો   છે. સાથોસાથ  માનવીનાં ફેફસાંને  પર શુદ્ધ  રાખવા જાગૃતિ ફેલાવવાનો   છે.

2022ના વરસના સીઓપીડી ડે નું સૂત્ર છે હેલ્ધી લન્ગ્ઝ- નેવર મોર ઇમ્પોર્ટન્ટ(નિરોગી અને  તંદુરસ્ત ફેફસાં, અગાઉ ક્યારેય આટલાં અગત્યનાં નહોતાં). કોરોનાની મહામારીએ  સમસ્ત માનવજાત અને પર્યોવરણ પર જબરો કઠુરાઘાત કર્યો છે.સાથોસાથ માનવ શરીરનાં ફેફસાંની તંદુરસ્તી બહુ અગત્યની હોવાનો સંદેશો  પણ આપ્યો   છે.  

ફેફસાંના રોગના નિષ્ણાત ડોક્ટરોના કહેવા મુજબ સીઓપીડી શબ્દ દ્વારા ખરેખર તો ફેફસાંની  બીમારીનો ઇશારો મળે છે. કોઇપણ માનવીનાં ફેફસાંમાં જરા સરખી સમસ્યા સર્જાય કે તેની કુદરતી ગતિવિધિમાં અવરોધ સર્જાય તો તેને કારણે તે વ્યક્તિને એક કરતાં વધુ શારીરિક તકલીફ થાય છે. ઉદાહરણરૂપે તે વ્યક્તિને સતત ઉધરસ આવે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય. સમય જતાં તે વ્યક્તિનાં ફેફસાંની દિવાલોને નુકસાન થાય અને તે દિવાલો નબળી પણ પડી જાય.આવી ચિંતાજનક પરિસ્થિતિમાં તે દરદીની સારવાર પણ લગભગ અશક્ય બની જાય.

નિષ્ણાત તબીબોના કહેવા મુજબ અધૂરા મહિને જન્મેલાં, નબળી રોગપ્રતિકારશક્તિ ધરાવતાં, અને દમ-અસ્થમાની તકલીફવાળાં  બાળકોને   સીઓપીડીની સમસ્યા થવાનું જોખમ વધુ રહે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ મુજબ આખી દુનિયાનાં 15 કરતાં ઓછી વયનાં  93 ટકા બાળકો(એક અબજ 80 કરોડ) દરરોજ તેમનાં ફેફસાંમાં પ્રદૂષિત હવા ભરે છે. પરિણામે  આટલાં બધાં બાળકોનું આરોગ્ય કથળે  છે. 2016 માં તો વિશ્વનાં છ (6) લાખ બાળકો શ્વાસોચ્છવાસની ગંભીર સમસ્યાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. જે કોઇ દેશના જે તે રાજ્ય કે  શહેરમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાય ત્યાર ત્યાંની સરકાર કે  મહાનગરપાલિકા શાળાઓ બંધ રાખવાના અને અન્ય કામચલાઉ કહી શકાય તેવા ઉપાયો કરે છે. જોકે ખરેખર તો  તેઓએ પ્રદૂષણની અતિ ગંભીર સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવો જોઇએ.

તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ પ્રદૂષણ ઉપરાંત તમાકુ પણ માનવીનાં ફેફસાંની બીમારી માટે કારણભૂત બને છે. ઉદાહરણરૂપે સીગારેટ ફૂંકવી, તમાકુ ખાવી તથા તમાકુવાળા ગુટકા ખાવા વગેરે કુટેવને કારણે માનવ શરીરને અને ખાસ કરીને ફેફેસાંને ગંભીર નુકસાન થાય છે. હવાની ખરાબ ગુણવત્તાને કારણે પણ અસંખ્ય નાગરિકોને દમની અને શ્વાસોચ્છવાસની  તકલીફ  થાય છે. ઉપરાંત, જગતના વિકાસશીલ   દેશોમાં   ઘરના રસોડામાંના  ચૂલામાંથી બહાર ફેંકાતો ધૂમાડો પણ મહિલાઓની તંદુરસ્તી માટે જોખમી બની રહે છે.

Gujarat
English
Magazines