ધર્મેન્દ્ર,મનોજકુમાર,બી.સરોજાદેવી અને કોટા શ્રીનિવાસરાવને શ્રદ્ધાંજલિ
મિ.નો બડી અગેઇન્સ્ટ પુતિન ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ ઓસ્કરવિજેતા, એલેકઝાન્ડર સિંહની શોર્ટ લાઇવ એક્શન ફિલ્મને પણ ઓસ્કર મળ્યો
માર્ટી સુપ્રીમ ફિલ્મ નવ કેટેગરીમાં નોમિનેટ થયેલી છતાં એક પણ ઓસ્કર એવોર્ડ ન મળ્યો
એકેડમી ઓફ મોશન પિકચર્સ એન્ડ સાયન્સીઝ દ્વારા રવિવારે લોસ એન્જેલસમાં યોજાયેલાં ૯૮માં ઓસ્કર એવોર્ડ સમારોહમાં પોલ થોમસ એન્ડરસન નિર્દેશિત વન બેટલ આફટર અનધરને બેસ્ટ પિકચર સહિત છ અને સિનર્સને ચાર ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મમાં મિસ્ટર નો બડી અગેઇન્સ્ટ પુતિનને ઓસ્કર મળ્યો હતો. બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ વિજેતા સેન્ટિમેન્ટલ વેલ્યુને ઓસ્કર એવોર્ડ આપવાની જાહેરાત ભારતની અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને જેવિયર બારડેમે કરી હતી. જેવિયરે પેલેસ્ટાઇનને ટેકો આપતાં યુદ્ધને નકાર અને પેલેસ્ટાઇનને મુક્ત કરવાની હાકલ કરી હતી. દર્શકોએ તાળીઓ પાડી જેવિયરની જાહેરાતને વધાવી લીધી ત્યારે પ્રિયંકા તેની પડખે ઉભી રહી સ્માઇલ કરી રહી હતી. શ્રદ્ધાંજલિ વિભાગમાં ભારતના ધર્મેન્દ્ર, મનોજકુમાર, બી. સરોજાદેવી અને કોટા શ્રીનિવાસરાવને અંજલિઓ આપવામાં આવી હતી. મૂળ ભારતના પણ ફ્રાન્સમાં રહી ફિલ્મો બનાવતાં એલેકઝાન્ડરસિંહની ફિલ્મ ટુ પિપલ એકસચેન્જિંગ સલાઇવા નામની ફિલ્મને લાઇવ એકશન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર મળ્યો હતો. એલેકઝાન્ડર સિંહ આ ફિલ્મનો સહનિર્દેશક છે. ભારતીય અમેરિકન ફિલ્મ મેકર ગીતા ગંડભીરની બે ડોક્યુમેન્ટરી ફિલ્મો ધ પરફેક્ટ નેબર અને ધ ડેવિલ ઇઝ બિઝી નોમિનેટ થઇ હતી પણ એકે ય ઓસ્કર જીતી શકી નહોતી.
ઓસ્કરમાં કુલ ૧૬ કેટેગરીમાં નોમિનેટ થયેલી ર્ યાન કુગલર્સની ફિલ્મ સિનર્સને માત્ર ચાર ઓસ્કર મળ્યા હતા જ્યારે તેર નોમિનેશન મેળવનારી લિયોનાર્ડો દ કેપ્રિયો અભિનિત એકશન કોમેડી વન બેટલ આફટર અનધરને છ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. ગુલેર્મો ડેલ ટોરોની ફ્રેન્કેસ્ટાઇનને ત્રણ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. તિમોથી ચાલામેટની ફિલ્મ માર્ટી સુપ્રીમને નવ નોમિનેશન્સ મળ્યા હતા પણ તેને એક પણ ઓસ્કર એવોર્ડ મળ્યો નહોતો.
નેટ ફલિક્સની કે પોપ ડેમોન હન્ટર્સને બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ એમ બે ઓસ્કર મળ્યા હતા.પ્રિયંકા ચોપડા અને જેવિયર બારડેમને હસ્તે જેને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો તે સેન્ટિમેન્ટલ વેલ્યુ એ પ્રથમ ઓસ્કર વિજેતા નોર્વેજિયન ફિલ્મ છે. આ કેટેગરીમાં ભારતની હોમબાઉન્ડ સ્પર્ધામાં હતી પણ તે આખરી પાંચ ફિલ્મોમાં પણ સ્થાન મેળવી શકી નહોતી.
દરમ્યાન ધર્મેન્દ્રને ઓસ્કરમાં યોગ્ય અંજલિ ન અપાઇ તે બાબતે પ્રતિભાવ આપતાં સાંંસદ અને અભિનેત્રી હેમામાલિનીએ જણાવ્યું હતું કે આ શરમજનક બાબત છે. દુનિયાના ઘણાં ભાગોમાં ઘણાં લોકો માટે જે એક્ટર ઘણી બધી બાબતો માટે જાણીતો હતો તેની અવગણના કરવા બદલ તેમને શરમ આવવી જોઇએ. ધરમજી દરેક જગ્યાએ જાણીતાં હતા. ધરમજીને તેમના જીવનમાં બહું એવોર્ડ મળ્યા ન નહોતાં. તે ઓસ્કરની શા માટે દરકાર કરે? અમે બંને આપણાં દેશમાં જે પ્રેમ મળ્યો છે તેમાં ખુશ છીએ. પણ તેંમને એવોર્ડ સતત હાથતાળી આપતાં રહ્યા છે. મને પણ લાલ પથ્થર અને મીરામાં મારી ઉત્તમ ભૂમિકાઓ છતાં કોઇ એવોર્ડ મળ્યો નથી. શ્રદ્ધાંજલિ એટલે કે ઇન મેમોરિયમ સેકશનમાં ૨૦૨૪ અને ૨૦૨૫ના વર્ષમાં વિદાય લેનારી અનેક ફિલ્મ હસ્તીઓને સમાવવામાં આવી હોવાથી ઘણાંની સ્લાઇડ બાકાત થઇ હતી પણ તેમનો વેબસાઇટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મુખ્ય ઓસ્કર એવોર્ડ વિજેતાઓ
- શ્રેષ્ઠ ફિલ્મ ઃ વન બેટલ આફટર અનધર ૨. શ્રેષ્ઠ દિગ્દર્શક ઃ - પોલ થોમસ એન્ડરસન-વન બેટલ આફટર અનધર ૩. શ્રેષ્ઠ અભિનેતાઃ માઇકલ બી જોર્ડન- સિનર્સ ૪. શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ શોન પેન-વન બેટલ આફટર અનધર ૫. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી ઃ સિનર્સ ૬. શ્રેષ્ઠ અભિનેત્રી ઃ જેસ્સી બકલે - હેમનેટ ૭. શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગઃ વન બેટલ આફટર અનધર- એન્ડી જુનર્જેન્સેન ૮. શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મઃ સેન્ટિમેન્ટલ વેલ્યુ- નોર્વે ૯. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મઃ મિ. નોબડી અગેઇન્સ્ટ પુતિન ૧૦. શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ ઃ અવતારઃ ફાયર એન્ડ એશ


