આ વર્ષે પહેલા બે માસમાં જ ડોગ બાઈટના ૧૦ હજારથી વધુ કેસ
નાલાસોપારાની બાળકીના મોત બાદ ફરી કૂતરા મુદ્દે ઉહાપોહઃ પાંચ વર્ષમાં ફક્ત ૨૮ હજાર કૂતરાનું રસીકરણ
મુંબઇ - નાલા સોપારામાં નવ વર્ષની બાળકીનું કૂતરો કરડયા બાદ રેબીઝની રસી નહિ લેવાના કારણે મોત થયું હોવાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. વાસ્તવમાં વસઈ વિરારમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે. ૨૦૨૫નાં વર્ષમાં વસઈ વિરારમાં શ્વાન કરડવાના ૪૬ હજાર બનાવ બન્યા હોવાના ડેટા સામે આવ્યા છે.
નાલાસોપારામાં મૃત્યુ પામેલી કશીશ સાહનીના કિસ્સામાં તેને કૂતરાએ નહોર માર્યા બાદ પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, નાનકડી કશીશ ઈન્જેક્શન લેવા સમયે ડરીને રડવા માંડી હતી. આથી, પરિવારજનોએ તેને રસી અપાવવાનું માંડી વાળ્યું હતું. પરંતુ, છેવટે છ માસ બાદ કશીશનું રબીઝના કારણે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાથી રખડતા કૂતરાના મુદ્દે ફરી ઉહાપોહ જાગ્યો છે. વસઈ-વિરારમાં વિવિધ સ્થળોએ રખડતા કૂતરાઓનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘરો સામે રમતા બાળકો, રાતે ઘરે પરત ફરતા લોકો, બાઈક સવારોની પાછળ કૂતરા પડે છે.
ક્યારેક આ કૂતરાઓ જૂથમાં હુમલો કરતા હોવાના અહેવાલો છે. આ કારણે, કૂતરા કરડવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. કૂતરાઓના આંતક સામે અવાજ ઉઠાવવામા આવે તો જીવદયા પ્રેમીઓ વિરોધ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આ વર્ષે જાન્યુઆરી અને ફેબુ્રઆરી એમ બે મહિનામાં ૧૦,૧૨૦ કૂતરા કરડવાના બનાવો બન્યા છે. એટલે કે દરરોજ સરેરાશ ૧૬૯ લોકોને કૂતરા કરડે છે. ગયા વર્ષે ૨૦૨૫માં ૪૬,૩૫૪ કૂતરા કરડવાના બનાવો નોંધાયા હતા
. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા પ્રતિક્રિયા સંભળાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને કૂતરાઓથી હડકવા થવાનું જોખમ ઘટાડવા માટે હડકવા રસીકરણ અભિયાન શરૃ કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં ૧૫,૭૪૧ કૂતરાઓને રસી આપવામાં આવી છે.
કૂતરા કરડયા પછી નાગરિકોએ માહિતી છુપાવવી જોઈએ નહીં. આનાથી હડકવાના ચેપનું જોખમ ઊભું થઈ શકે છે. આ માટે મેડિકલ ઓફિસર ડા. ભક્તિ ચૌધરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં આવીને દવા લેવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત ૨૮,૮૫૪ કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.


