Mumbai

ઓલિમ્પિક એસો.માં જનરલ સેક્રેટરી દ્વારા 12 કરોડની ઉચાપત

By GS TEAM
29 Oct 20253 mins read
ઓલિમ્પિક એસો.માં જનરલ સેક્રેટરી દ્વારા 12 કરોડની ઉચાપત

ખેલાડીઓને બ્રાન્ડેડ કિટના સ્થાને હલ્કી ગુણવત્તાનાં સાધનો અપાયાં  

ગુજરાત, ગોવા  અને ઉત્તરાખંડના ભંડોળનો ઓડિટ રિપોર્ટ  નઆઈપ્યો ઃ ખેલાડીઓ દ્વારા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ ફરિયાદ

મુંબઈ  -  મહારાષ્ટ્ર  ઓલિમ્પિક એસોશિએશન (એમઓએ)ના જનરલ સેક્રેટરી સામે પુણે પોલીસે રાષ્ટ્રીય રમતો માટેના રુ. ૧૨.૪૫ કરોડના સરકારી ભંડોળની ઉચાપત કરવા અને બ્રાન્ડેડ કિટ્ના નામે ખેલાડીઓને હલકી ગુણવત્તાવાળી રમત સામ્રગી પૂરી પાડવાના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મહારાષ્ટ્ર  રાજ્ય રેસલિંગ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ ૫૧ વર્ષીય સંદીપ ભોંડવેની ફરિયાદ બાદ સમર્થ પોલીસ સ્ટેશનમાં  જનરલ સેક્રેટરી નામદેવ શિરગાંવકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અંધેરી પૂર્વના મરોલ સ્થિત કોરોલા જવેલ હાઉસિંગ સોસાયટીના રહેવાસી શિરગાંવકર છેલ્લા ચાર વર્ષથી એમઓએના જનરલ સેક્રેટરી તરીકે ફરજ પર કાર્યરત છે. 

ફરિયાદમાં  જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન રાજ્યની તમામ રમત માટે અગ્રણી  સંસ્થા છે અને તે ભારતીય ઓલિમ્પિક સંધ સાથે જોડાયેલી છે. આ સંગઠન મેરિટ- આધારિત પુરસ્કારોની ભલામણ કરવા, વિદ્યાર્થીઓ માટે રમત કવોટા આપવા અને દર ચાર વર્ષે યોજાતી રાષ્ટ્રીય રમતોનું સંચાલન કરવા માટે જવાબદાર છે. જો કે, આ સંસ્થાના મહાસવિચ  નામદેવ શિરગાંવકરે પોતાના સંબંધીઓ અને નજીકના સહયોગીઓ સાથે મળીને ઘણી રમત સંસ્થાઓ બનાવી હતી અને તે સંસ્થાઓ દ્વારા નાણાંકીય વ્યવહારો કરીને તેનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.વધુમાં સરકાર પાસેથી મળેલા ભંડોળનો દુરુપયોગ કરીને તેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

સરકારે  નેશનલ ગેમ્સ માટે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશનને મોટી રકમનું ભંડોળ પુરું પાડયું હતું. સરકારે કુલ રુ. ૧૨.૪૫ કોરડના આપ્યા હતા.  આમાં સપ્ટેમ્બર ૨૦૨૨માં ગુજરાત માટે રુ. ૩.૫૦ કરોડ, ઓકટોબર ૨૦૨૩માં ગોવા માટે રુ. ૪ કરોડ અને જાન્યુઆરી ૨૦૨૫માં  ઉત્તરાખંડ માટે રુ. ૪.૯૫ કરોડ મંજૂર કર્યા હતા. જો કે જનરલ સેક્રેટરીએ આ ખર્ચનો યોગ્ય હિસાબ  સરકારને રજૂ કર્યો નથી. 

આથી રમતગમત અને યુવા સેના નિયામક મંડળે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ શિરગાંવકરને કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી અને તેમને ૩ ઓક્ટોબર સુધીમાં તેમના હિસાબો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા બાદ પણ તેમણે તેમના હિસાબો રજૂ કર્યા ન હતા. આ પૃષ્ઠભૂમિમાં ૨૭ ઓક્ટોબરના રોજ સંદીપ ભોંડવેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય કુસ્તી સંઘ અને કેટલાક ખેલાડીઓએ પુણે પોલીસ કમિશનરેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોદ પ્રદર્શન દરમિયાન શિરગાંવકર સામે કેસ નોંધીને યોગ્ય તપાસ કરવાની માગં કરવામાં આવી હતી. 

 ફરિયાદના આધારે સમર્થ પોલીસે સપ્લાયર્સની ચકાસણી કરવા, નાણાંકીય વ્યવહારો ટ્રેક કરવા અને શિંરગાવકર સાથે જોડાયેલા સંભવિત સહ- આરોપી અથવા લાભાર્થી સંસ્થાઓને ઓળખવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે. જો કે, આ કૌભાંડથી રમતગમત સંગઠનો અને રમતવીરોમાં રોષ ફેલાયો હતો. તો ઘણાએ આરોપ લગાવ્યો હતો કે  પુષ્કળ સરકારી ભંડોળ હોવા છતાં ખેલાડીઓને ગુણવત્તાયુક્ત સાધનો અને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ મહારાષ્ટ્રના રમતવીરો સાથે વિશ્વસાધાત છે. જ્યારે ખેલાડીઓ નબળા સાધનો અને મુસાફરીની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. 

જો કે, આ અંગે મહારાષ્ટ્રના ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત નિયામકના અધિકારીઓએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી અને જણાવ્યું હતું કે આ મામલો હાલ પોલીસ તપાસ હેઠળ છે.