Get The App

હોળીના દિવસે બોઈસરમાં ઓલિયમ લીકેજઃ 2 હજારથી વધુનું સ્થળાંતર

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
હોળીના દિવસે બોઈસરમાં ઓલિયમ લીકેજઃ 2 હજારથી વધુનું સ્થળાંતર 1 - image

રસ્તા પર સફેદ ચાદર છવાઈઃ આંખ-શ્વાસમાં બળતરા,  ખાંસીની ફરિયાદોે

પાંચ કિમીના વિસ્તારમાં અસર થઈઃ ચાર કલાકે લીકેજ કાબુમાંઃ ચાર લોકોને સારવાર આપવી  પડીઃ એનડીઆરએફ ઉપરાંત ભાભા એટમિક સેન્ટરના નિષ્ણાતોેેને બોલાવાયા

મુંબઈ -  પાલઘર જિલ્લાના તારાપુરમાં સોમવારે બપોરે ભગેરિયા કેમિકલ્સ કંપનીમાંથી ઓલિયમ ગેસ લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાંચ કિમીના વિસ્તારમાં સફેદ ગેસના વાદળો છવાયાં હતાં. લોકોને આંખો તથા શ્વાસમાં  બળતરા અને ખાંસી સહિતની ફરિયાદો થઈ હતી. લોકોએ સલામત સ્થળે તરફ દોટ લગાવી હતી. સ્થાનિક તંત્ર દ્વારા આશરે ૨૬૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. લીકેજ અંગે વિવિધ એજન્સીઓએ તપાસ ચાલુ કરી છે. 

 બોઇસર એમઆઈડીસીમાં મેસર્સ ભગેરિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ડાય ઇન્ટરમીડિયેટ કેમિકલ ફેક્ટરી છે. સોમવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ, આ ફેક્ટરીમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા ૬૫ % ઓલિઅમ કેમિકલ લીકેજ થયું હતું. આ કારણે, હવામાં સલ્ફર ટ્રાયોેક્સાઇડ ગેસનો જાડો ધુમાડો ફેલાયો હતો. આ ધુમાડાને કારણે ફેક્ટરી વિસ્તારમાં  વાતાવરણ ભારે ધૂંધળું બન્યું  હતું.  ઓલિયમને કારણે બોઇસર, ખૈરેપાડા, સરાવલી વિસ્તારમાં લગભગ પાંચ કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત થયો હતો. હવા કરતાં વધુ  ઘનતા  ધરાવતા આ રાસાયણિક ગેસે બોઇસર વિસ્તારમાં સફેદ વાદળ ફેલાતા પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું.  સંખ્યાબંધ લોકો બુકાની બાંધીને દૂર તરફ ભાગતા હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. નજીકની તારાપુર વિદ્યામંદિર શાળામાંથી ૧૬૦૦ વિદ્યાર્થીઓ ઉપરાંત ફેક્ટરીના કામદારો સહિત આશરે ૨૬૦૦ લોકોને સલામત સ્થળે  ખસેડાયા હતા. 

 આ ઘટના સમયે આ ફેક્ટરીમાં કુલ ૧૫૮  શ્રમિકો કામ કરી રહ્યા હતા. કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગેસ લીકેજને કાબુમાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. રસ્તા પરથી પસાર થતી તનુ મિશ્રા, હરિશ્ચંદ્ર મોવલે, ભાવિકા મોરે અને મહેશ માળી સહિત કુલ ચાર લોકોને ગેસની અસર થઈ હતી. ચારેય અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.

લીકેજ અટકાવવાનું કામ સાંજે ચાર વાગ્યાથી શરૃ થયું હતું અને સાંજે સાડા છ વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી. જમીન પર ઢોળાયેલા ઓલિયમને તાત્કાલિક રેતીથી ઢાંકી દેવામાં આવ્યું હતું જેથી તે વધુ ફેલાતો અટકાવી શકાય અને હવામાં ઓક્સિજન સાથે તેનો સંપર્ક ન થાય એમ ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના સંયુક્ત સંચાલક માધવ તોટેવાડે જણાવ્યું હતું.