mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઓફશોર ટ્રફની તીવ્ર અસરથી મેઘરાજાની મધરાતે મુંબઇને પ્રચંડ થપાટ વાગી

Updated: Jul 9th, 2024

ઓફશોર ટ્રફની તીવ્ર અસરથી  મેઘરાજાની મધરાતે મુંબઇને પ્રચંડ થપાટ વાગી 1 - image


હવામાન વિભાગે 24 કલાક માટે  રેડ એલર્ટ જારી કરી : હજી આવતા 3 દિવસ આકાશ વરસશે ચોધાર

 ગુજરાતથી છેક કેરળ સુધીના ઓફ્ફશોર ટ્રફના તીવ્ર -- તોફાની પરિબળે મુંબઇને પણ ઝપટમાં લઇ લીધું :  થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ,પુણે, સાતારા,કોલ્હાપુરમાં ગાંડોતૂર વરસાદ

મુંબઇ :  આજે  ૨૦૨૪ની ૮, જુલાઇએ  મુંબઇનું  આભ  ફાટયું  હતું.  ખાસ કરીને રવિવારની મધરાતે ૨ .૩૦  વાગ્યાથી  સોમવારે વહેલી  સવારે ૫ --૩૦ સુધીમાં   મુંબઇમાં ભારે તોફાની વર્ષા થઇ હતી.પૂર્વનાં અને પશ્ચિમનાં પરાં જળબંબોળ  થઇ ગયાં હતાં. એટલે કે ફક્ત ત્રણ જ કલાકમાં   ૨૧૦ મિલિમીટર (૮.૦૪ ઇંચ)જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ એક જ દિવસમાં મુંબઇગરાંની બધી નારાજી દૂર કરી દીધી હતી.  આખો જૂન મહિનો પૂરો થઇ ગયો હોવા છતાં  મુંબઇમાં અસલી કહેવાય તેવો તોફાની વરસાદ નહીં વરસ્યો હોવાથી મુંબઇગરાં નિરાશ અને નારાજ હતાં.  

મુંબઇગરાંને ભારે આશ્ચર્ય થયું હતું કારણ કે રવિવારે ,૭ ,જુલાઇની રાતે એક વાગ્યા સુધી તો મુંબઇનું ગગન લગભગ કોરુંધાકોર હતું.આમ છતાં રવિવારની મધરાતે હવામાનમાં અચાનક  એવો તોફાની પલટો આવ્યો કે મુંબઇ આખું પાણી પાણી થઇ ગયું હતું. શ્રીકાર વરસાદ માટેનાં તમામ કુદરતી પરિબળો જાણે કે એક સામટાં સાબદાં  થઇને મુંબઇ પર વરસી ગયાં હોય તેવો માહોલ સર્જાયો હતો.  

આમ તો છેલ્લા બે દિવસથી મુંબઇના આકાશમાં જબરો મેઘાડંબર સર્જાયો હતો. ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ  જમઘટ જામ્યો હતો. મેઘરાજા જાણે કે મુંબઇ પર જળાભિષેક કરવા રાજી થઇ ગયા હોય તેવાં એંધાણ સર્જાયાં હતાં.

આમ તો મુંબઇમાં છેલ્લા થોડા દિવસથી ધીમો ધીમો વરસાદી માહોલ જરૃર રહ્યો છે.  આમ છતાં મેઘરાજાના ૯, જૂનના  મુંબઇ આગમન બાદ આજે બરાબર ૨૮ મા દિવસે મુંબઇગરાંએ મુંબઇનો અસલી ગાંડોતૂર વરસાદ માણ્યો હતો. ગરમી અને બફારાથી હેરાનપરેશાન થઇ ગયેલાં  મુંબઇગરાં એમ કહો કે રાજીનાં રેડ થઇ ગયાં છે. મુશળધાર વરસાદથી વાતાવરણમાં ટાઢોડું છવાઇ ગયું છે.  

બીજીબાજુ મુંબઇથી લઇને સમુદ્ર કિનારાની  આખી કાંકણ પટ્ટી(થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં અને મધ્ય મહારાષ્ટ્ર(પુણે, સાતારા, કોલ્હાપુર)માં પણ જાણે કે આભ ફાટયું હોય તેવો શ્રીકાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. 

હવામાન વિભાગે આજે મુંબઇ સહિત થાણે, પાલઘર, રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જારી કરી હતી. જ્યારે  મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, સાતારા માટે રેડ એલર્ટ જારી કરી હતી.

હવામાન વિભાગે હજી આવતા ત્રણ દિવસ(૯,૧૧,૧૨ --જુલાઇ) દરમિયાન મુંબઇ,થાણેમાં અતિ ભારે વર્ષા(યલો એલર્ટ)ની જ્યારે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે પણ મુશળધાર વરસાદ(યલો એલર્ટ) જારી કરી છે. સાથોસાથ ૮ થી૧૨, જુલાઇ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે,સાતારા, કોલ્હાપુરમાં ભારેથી અતિ ભારે વર્ષા(યલો એલર્ટ) જારી કરી છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડાયરેક્ટર સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી છેક ઉત્તર કેરળના સમુદ્ર કિનારા સુધી ઓફ્ફશોર ટ્રફ(વાતાવરણનું દબાણ અત્યંત ઓછું થઇ જવું)  સર્જાયો હતો. આમ ગુજરાતથી  કેરળ સુધીના દરિયા કાંઠા સુધી મુશળધાર વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો સર્જાયા હતાં. 

જોકે   ઓફ્ફશોર ટ્રફની  અસર રવિવારે  મોડી રાતે  ૨ ઃ ૩૦ દરમિયાન અચાનક જ અતિ તીવ્ર થઇ ગઇ. આ કુદરતી પરિબળ અતિશય સક્રિય થઇને સ્ટ્રોંગ પણ બની ગયું.પરિણામે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ અતિ અતિ વધી ગયું. 

હવામાનમાં અચાનક થયેલા આ પરિવર્તનની અસર મુંબઇ સહિત આખા કોંકણમાં થઇ. સરળ રીતે સમજીએ તો ગુજરાતથી છેક કેરળ સુધીના ઓફ્ફશોર ટ્રફના તોફાની પરિબળે મુંબઇ  સહિત આખા કોંકણને પણ ઝપાટાંમાં લઇ લીધું. આમ હવામાનમાં આવેલા આવા અણધાર્યા પરિવર્તનનો લાભ મુંબઇને થયો અને મુંબઇમાં દેમાર વરસાદ વરસ્યો. 

સાથોસાથ, હાલ અરબી સમુદ્રના પશ્ચિમ -મધ્ય હિસ્સામાં નૈઋત્યનું ચોમાસુ ભારે તોફાની બન્યું છે. જ્યારે અરબી સમુદ્રના દક્ષિણ --મધ્ય ભાગમાં પણ ઘણું સક્રિય થયું છે.ઉપરાંત, હાલ અરબી સમુદ્ર પર ૪.૫ થી ૭.૬ કિલોમીટરના અંતરે શિયર ઝોન(બે વિરુદ્ધ દિશાના ભેજવાળા પવનો ફૂંકાય , જે મુશળધાર વરસાદ લાવે)ની પણ અસર છે.હાલ  મુંબઇ પર નૈઋત્યના ભરપૂર ભેજવાળા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. આમ હાલ આ બધાં કુદરતી પરિબળો એક સાથે અને તીવ્રતા સાથે સાનુકુળ બની રહ્યાં હોવાથી મુંબઇનું આકાશ પૂરી શક્તિથી  વરસી રહ્યું છે.હજી પણ વરસશે.

*   મેઘરાજાએ મુંબઇને પ્રચંડ થપાટ મારી ઃ  મધરાતે ત્રણ કલાકમાં ૮.૪ ઇંચ  

હવામાન વિભાગે એવી માહિતી પણ આપી હતી કે વરસાદની સૌથી વધુ તીવ્રતા રવિવારે  સાતમી  જુલાઇની મધરાતે ૨ ઃ ૩૦ થી ૮, જુલાઇના વહેલી સવારના ૫ ઃ ૩૦ દરમિયાન રહી હતી.એટલે કે ફક્ત ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં મુંબઇનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં ૨૧૦ મિલિમીટર(૮.૪ ઇંચ) જેટલો ભારે તોફાની  વરસાદ નોંધાયો હતો. 

આમ તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન મુંબઇમાં ૨૬૭.૦ મિ.મિ.(૧૦.૬૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. આજે સવારના ૮ ઃ ૩૦ થી સાંજના ૫ ઃ૩૦ સુધીમાં કોલાબામાં ૧૦૧.૦ મિ.મિ. વર્ષા નોંધાઇ છે.

  કોંકણમાં પણ સર્વત્ર છથી ૧૩ ઈંચ વરસાદ

બીજીબાજુ આજે મહારાષ્ટ્રના કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં અને મધ્ય મહારાષ્ટ્રના પુણે, સાતારા, કોલ્હાપુરમાં પણ ભારે તોફાની વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળે છે.

હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે કોંકણનાં દોદામાર્ગમાં ૩૧૦ મિ.મિ., માપુસા --૩૦૦, તાલા --૨૯૦, મ્હાસ્લા -૨૭૦, રામેશ્વર --૨૫૦, મુરુડ -૨૫૦, કુડાળ -૨૩૦, રાજાપુર --૨૩૦, વેંગુર્લા -૨૧૦, માલવણ --૨૧૦, દેવગઢ --૨૦૦, સાવંતવાડી -- ૧૮૦,  ચીપલુણ -૧૭૦,શ્રીવર્ધન --૧૩૦,થાણે --૧૨૦ મિ.મિ. વરસાદ થયો હોવાના સમાચાર મળે છે. 

મુંબઈમાં રેડ એલર્ટ જારી કરાયો

   હવામાન વિભાગે આજે સાંજ બાદ મુંબઇમાં રેડ એલર્ટ જારી કરી હતી. હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ઓફ્ફશોર ટ્રફ, શિયર ઝોન, વાતાવરણમાં ભેજનું પ્રમાણ, નૈઋત્યના તીવ્ર પવનો વગેરે  તમામ કુદરતી પરિબળોની તીવ્રતાને અને સતત વધી રહેલી વરસાદી તીવ્રતાને ધ્યાનમાં રાખીને  રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આજે સવારના ૮ ઃ૩૦ થી સાંજના ૫ ઃ૩૦ સુધીમાં કોલાબામાં ૧૦૧.૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

આમ છતાં આજે રાતે વરસાદની તીવ્રતા આટલી જ રહેશે કે કેમ તેનો આધાર કુદરતી પરિબળો કેટલાં સક્રિય રહે છે તેના પર છે.

----------------------------------------------------------------------------

મુંબઇમાં છેલ્લાં ૧૦ વર્ષમાં  જુલાઇમાં કેટલો વરસાદ વરસ્યો ? (૨૪ કલાક)

 તારીખ ઃ વર્ષ -- વરસાદ

(મિ.મિ.)

* ૨૨, જુલાઇ  ઃ ૨૦૨૩ -- ૨૦૩ .૭

*  ૬,જુલાઇ ,  ૨૦૨૨ -- ૧૯૩.૬

*૧૬,જુલાઇ ,૨૦૨૧ -- ૨૫૩.૩

* ૫,જુલાઇ , ૨૦૨૦ -- ૨૦૦.૮ 

* ૨,જુલાઇ , ૨૦૧૯ -- ૩૭૫.૨ 

* ૧૦, જુલાઇ ,૨૦૧૮ --  ૧૮૪.૩

*૧૮,જુલાઇ , ૨૦૧૭ -- ૧૬૩.૪

* ૩૦, જુલાઇ , ૨૦૧૬ ---  ૧૧૪.૫

* ૨૧,જુલાઇ , ૨૦૧૫ --- ૬૧.૦

* ૩, જુલાઇ  , ૨૦૧૪ -- ૨૦૭.૨

*  મુંબઇમાં  છેલ્લાં ૧૦ વર્ષમાં ૨૦૧૯ની ૨,જુલાઇએ ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૭૫.૨ મિ.મિ.(૧૫.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.  

  * મુંબઇમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૨૦૨૩ના જુલાઇ મહિનામાં સૌથી વધુ ૧,૭૭૧.૦ મિ.મિ.(૭૦.૮૪ ઇંચ)  વરસાદ નોંધાયો છે.

  * ૨૦૦૫ની ૨૬, જુલાઇએ ફક્ત ૨૪ કલાકમાં ૯૪૪.૨ મિ.મિ.(૩૭.૧૭ ઇંચ) નું મેઘતાંડવ સર્જાયું હતું. ભારતમાં ૨૪ કલાકમાં આટલો વરસાદ રેકોર્ડ છે.


Gujarat