Updated: May 25th, 2023
પરીક્ષાઓમાં છબરડા બાબતે નવું બહાનું
હવે 30 દિવસમાં 25 થી વધુ કોર્સના પરિણામ જાહેર કરી દેવાનું યુનિ. સત્તાધીશોનું આશ્વાસન
મુંબઇ : મુંબઈ યુનિવર્સિટીના સત્તાધીઓએ પરીક્ષાઓમાં પારાવાર ગરબડો તથા પરિણામોમાં છબરડાઓની વ્યાપક ટીકા બાદ હવે ઉનાળુ સત્રના પરિણામો સમયસર જાહેર કરવાની ખાતરી આપી છે. તેમણે એવું બહાનું દર્શાવ્યું છે કે છેલ્લાં બે વર્ષ કોવિડને લીધે ઓનલાઈન પરીક્ષા લેવાયા બાદ ફરી ઓફલાઈન પરીક્ષાઓ શરુ થતાં તકલીફો પડી રહી છે.
કોવિડમાં યુનિવર્સિટીએ સરકારના નિર્દેશાનુસાર ઓનલાઇન પરીક્ષા લીધી. કોવિડ બાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના શિયાળું સત્રમાં પહેલીવાર ઓફલાઇન પરીક્ષા લેવાઇ. તેમાં માનવબળની અછત, યુનિવર્સિટી કર્મચારીઓની હડતાળ વગેરે કારણસર યુનિવર્સિટીના શિયાળુ સત્રના પરિણામ લંબાયા પરંતુ યુનિવર્સિટી પ્રશાસને ગત ચાર અઠવાડિયાથી શિયાળુ સત્રની પરીક્ષાની ખામીઓ દૂર કરી ઉનાળું સત્રની પરીક્ષા તેમજ પરિણામનું નિયોજન કર્યું છે.
આન્સરશીટ તપાસવા, પરિણામ જાહેર કરવા વિવિધ કોલેજોના પ્રાચાર્યોની સતત બેઠક થઇ રહી છે. લીડ કોલેજોના પ્રાચાર્યો, કોલેજો-યુનિવર્સિટીના પ્રાધ્યાપકોનો સહકાર લઇ મૂલ્યાંકનનું કામ મોટાપાયે થઇ રહ્યું છે. આથી ગત ૩૦ દિવસમાં યુનિવર્સિટીએ ઉનાળું સત્રના ૨૫ પરિણામ જાહેર કર્યા છે. યુનિવર્સિટીના દરેક સ્તરના કર્મચારી પરિણામના કામમાં લાગ્યાં છે. આથી સમયસર પરીક્ષાના પરિણામ જાહેર થશે.