ગ્રેટશિપ રોહિણી નામના જહાજના એન્જિન રૂમમાં આગ એક અધિકારી ઘવાયા : 3 કર્મચારી લાપતા
મુંબઇના અરબી સમુદ્રમાં મધ દરિયે
મુંબઇ તા.13 ફેબ્રુઆરી, 2021, શનિવાર
મુંબઇના અરબી સમુદ્રમાં મધદરિયે રોહિણી નામના એક જહાજના એન્જિન રુમમાં આજે સવારે આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક અધિકારી ઘવાયા હતા જ્યારે ત્રણ કર્મચારી લાપતા બન્યા હતા જેને શોધવા અને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા અધિકારીને હેલિકોપ્ટરથી ઉપચાર માટે લવાયા હતા.
આ સંદર્ભે કોસ્ટગાર્ડના સૂત્રોનુસાર ગ્રેટશિપ રોહિણી મુંબઇના કિનારેથી ૯૨ નોટીકલ માઇલ દૂર હતું ત્યારે તેના એન્જિન રુમમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા જ ઓએનજીસીએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આગમાં ગંભીર રીતે દાઝેલા ઓફિસર ગુરબિંદર સિંહને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી ઉપચાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ કોસ્ટગાર્ડ ઓપરેશન સેન્ટરે તેમનું ઓફશોર પેટ્રોલિંગ વાહન સમર્થને ઘટનાસ્થળે મોકલ્યું હતું. આ ઉપરાંત કોસ્ટગાર્ડનું ડોર્નિચર વિમાન પણ પરિસ્થિતિ પર નજર રાખવા ઉડાવવામાં આવ્યું. આ સિવાય સિમેક-વન, ગ્રેટશિય દીપ્તિ, પ્રિયા-૨૭, વર પ્રદા, અલ્બાટ્રોસ પાંચ અને અન્ય ક્રુ બોટની પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઇ હતી. આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી પણ એન્જિન રુમમાં ભારે ધુમાડો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે અડચણ આવી રહી હતી. કોસ્ટગાર્ડના ફાયર ફાઇટીંગના ઉપકરણથી સજ્જ સમર્થ પેટ્રોલિંગ વાહને અન્ય ક્રુ બોટ સાથે સમન્વય સાધી તેમની એક ટીમે રોહિણી શિપમાં પ્રવેશ કરી બચાવ અને રાહત કાર્યમાં યોગદાન આપ્યું હતું.