એક્સપાયરી ડેટવાળી ચીજો જથ્થાબંધ ખરી રિપેકેજિંગ કરી વેચવાનું કૌભાંડ
ઘાટકોપરમાં ફૂડ સેફ્ટી લાયસન્સ વિના જ ધમધમતી કંપની
ઘાટકોપરની ખુશી ટ્રેડિંગને એકવાર કામ બંધ કરવા આદેશ અપાયા પછી છૂપી રીતે ફરી કામ ચાલુ કરતાં એફડીએની પોલીસ ફરિયાદ
મુંબઈ - ઘાટકોપરમાં ખાદ્ય સુરક્ષા કાયદાઓના ઉલ્લંઘન સામે મોટી કાર્યવાહીમાં મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ મેસર્સ ખુશી ટ્રેડિંગ સામે મોટા પાયે એકસપાયરી ડેટ અથવા લગભગ એકસપાયર થયેલી ડેટવાળા ખાદ્ય ચીજવસ્તુઓનું સંગ્રહ કરીને તેનું રિપેકિંગ કરીને ફરી છુટક માર્કેટમાં વેચાણ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ સંસ્થા વિવિધ મોલમાંથી આ જથ્થો ખરીદતી હતી અને તેનું રિપેકિંગ કરતી હતી. આ રીતે કંપનીએ જાહેર જનતાનાં આરોગ્ય સાથે ચેડાં કર્યાં હોવાની શંકા છે.
એફડીએની ગ્રેટર મુંબઈ ઝોન- આઠની ટીમે ઘાટકોપર પશ્ચિમના ગાલા નંબર બી ૧૯, બી ૨૧, બી ૨૨ કોજમાજિંજી એસ્ટેટ ખાતે સ્થિત મેસર્સ ખુશી ટ્રેડિંગ પર દરોડો પાડયો હતો.
જેમાં તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે આ ટ્રેડિંગ ફેકટરીમાં માન્ય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએશએઆઈ) લાયસન્સ વિના કાર્યરત હતી. તે ઉપરાંત સુવિધા અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં હતી. જે કાયદાની અનુસૂચિ ચાર હેઠળ નિર્ધારિત ફરજિયાત સ્વચ્છતા ધોરણોનું ઉલ્લંઘન કરતી હતી.
અધિકારીઓએ ને દસ્તાવેજો ચેક કરતાં ખ્યાલ આવ્યો હતો કે તે ડી માર્ટના કેટલાક સ્ટોર્સમાંથી જથ્થાબંધ રીતે એકસપાયરી ડેટવાળી કે કઆવી ડેટ નજીક હોય તેવી ખાદ્યચીજવસ્તુઆની જથ્થાબંધમાં ખરીદી કરતી હતી. બાદમાં આ ચીજો રિપેકેજિંગ કરીને વેચી દેવાતી હતી. આ રીતે અનેક લોકોને એક્સપાયરી ડેટવાળી ચીજો વેચી દેવામાં આવી હોવાની તથા તે રીતે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરાયાં હોવાની શંકા છે.
દરોડા બાદ અધિકારીઓએ આરોપી કંપનીને તેનું તમામ કામકાજ બંધ કરવા આદેશ આપ્યો હતો. જો કે, ૨૯ મેના રોજ એક ફોલો અપ તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ આ આદેશનું ઉલ્લંઘન કરી ચોરીછૂપીથી ફરી કામ ચાલુ કરી દીધું હતું.
પરિણામે એફડીએએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ડી માર્ટના વિવિધ સ્ટોર્સના લોકોની કોઈ સંડોવણી છે કે કેમ તે વિશે પણ તપાસ થઈ રહી છે.
તાજેતરમાં મુંબઈના ઝેપ્ટો બ્રાન્ડના ધારાવી સ્ટોરેજ યુનિટ ખાતે પારવાર ગંદકી, ફૂગ ચઢી ગઈ હોય તેવી ખાદ્યચીજો તથા એક્સપાયરી ડેટ ધરાવતી ખાદ્ય ચીજોના સંગ્રહ સહિતની અન્ન સુરક્ષા સંબંધિત સંખ્યાબંધ ગેરરીતીઓ સામે આવતા મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઝેપ્ટોનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે. તેની સમાંતર જ ખાદ્ય સુરક્ષાને લગતી આ બીજી મોટી કાર્યવાહી થઈ છે.