Get The App

એરપોર્ટ પર 8 દિવસમાં 46 કરોડથી વધુના ગાંજા-સોનાની દાણચોરી પકડાઈ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
એરપોર્ટ પર 8 દિવસમાં 46 કરોડથી વધુના ગાંજા-સોનાની દાણચોરી પકડાઈ 1 - image

જુદા જુદા 15 કેસો નોંધી 17 પ્રવાસીઓની ધરપકડ 

એક પ્રવાસી ૮૮ લાખના હીરા સાથે ઝડપાયો ઃ પુણે  એરપોર્ટ  પર  પણ ૨.૨૯ કરોડના ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની ધરપકડ

મુંબઈ -  મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી. મુંબઈ એરપોર્ટ પર છેલ્લા આઠ દિવસમાં કસ્ટમ વિભાગે ૧૫ કેસમાં કાર્યવાહી કરતા ૪૩ કરોડનો ગાંજો, ૧.૫૧ કરોડનું સોનું અને ૮૭ લાખના હીરા જપ્ત કર્યા હતા અને ૧૭ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. તો પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમ દ્વારા એક મુસાફરને ગાંજાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.  તેની પાસેથી રુ. ૨.૨૯ કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. 

વિગત મુજબ, મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ૩થી ૧૦ ડિસેમ્બર દરમિયાન  કામગીરી કરતા ગાંજાની દાણચોરીના દસ કેસોમાં કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પોટ પ્રોફાઈલિંગના આધારે કામગીરી કરતા રુ. ૩૭.૨૬ કરોડની કિંમતનો ૩૭.૨૬ કિલો ગાંજો જપ્ત કર્યો હતો અને સાત કેસોમાં નવ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ મુસાફર બેંગકોકથી વિવિધ ફલાઈટ્સ દ્વારા અહીં પહોંચ્યા હતા.

આ તમામ મુસાફરોએ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસથી બચાવ માટે ટ્રોલી બેગની અંદર ચતૂરાઈપૂર્વક ગાંજો સંતાડયો હતો.  તો અન્ય ત્રણ કેસોમાં ચોક્કસ બાતમીના આધારે કામગીરી કરતા બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર આવેલા ત્રણ મુસાફરો પાસેથી છ કિલોનો અન્ય ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રુ. છ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.  આ બાદ તમામ મુસાફરોની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 

ગાંજાની દાણચોરી  સિવાય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કામગીરી કરતા સોનાની દાણચોરીના ચાર કેસો નોંધાયા હતા. આમાં કુલ ૧.૫૧ કરોડનું સોનું ચાર મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવ્યું હતું. તો એક કિસ્સામાં રુ. ૮૭.૭૫ લાખના હીરા સાથે એક મુસાફર ઝડપાયો હતો.

દરમિયાન આઠ ડિસેમ્બરના બેંગકોકથી પુણે એરપોર્ટ પર પહોંચ્યા બાદ ઉતાવળમાં એરપોર્ટ પરથી નિકળવાનો પ્રયાસ કરનાર મુસાફરના વર્તન પર શંકા જતાં કસ્ટમ વિભાગે પૂછપરછ માટે તેને અટકાવ્યો હતો. આ બાદ તેના સામાનની તપાસ કરતા ટ્રોલી બેગમાંથી ૨,૨૯૯ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત રુ. ૨.૨૯ કરોડ હોવાનું કહેવાય છે. 

આ બાદ મુસાફરની પૂછપરછ કરતા તેણે કસ્ટમ વિભાગને જણાવ્યું હતું કે તે બેંગકોકથી આ ગાંજો લાવ્યો હતો અને અહીંના એક ડિલરને આ ગાંજો પહોંચાડવાનો હતો. કસ્ટમ વિભાગે આ તમામ ખુલાસા બાદ તેની ધરપકડ કરી હતી અને ડ્રગ નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.