અગાઉ ૪,માર્ચે બીડ જિલ્લાના ખળવટ નીમગાંવમાં પણ ભારે વિસ્ફોટ અને ઝળહળાટ સાથે બે ઉલ્કા પડી હતી
મુંબઇ,તા.૧૭ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના પરસોડી ગામમાં ૨૦૨૬ની ૧૦, જાન્યુઆરીએ રાતે રહસ્યમય આકાશી ઘટના બની છે. પરસોડી ગામના આકાશમાંથી બે ચમકતા પદાર્થ પડયા છે. આ બંને પદાર્થ દેખાવમાં મોટા કદના કોલસા જેવા લાગે છે. આ અકળ ઘટનાથી પરસોડી ગામનાં નાગરિકોમાં જબરું આશ્ચર્ય ફેલાયું છે. પરસોડી ગામનાં નાગરિકોના કહેવા મુજબ કેટલાંક બાળકો રાતે લગભગ આઠ વાગે નજીકના ખેતરમાં રમી રહ્યાં હતાં. બરાબર આ જ સમયે બાળકોએ ગગનમાંથી આવતા બે ચમકતા પદાર્થ જોયા હતા. આવું દ્રશ્ય જોઇને બાળકો ગભરાઇ ગયાં હતાં. બાળકોએ આ ઘટનાની જાણ તરત જ તેમના પરિવારને કરી હતી. ગામનાં લોકોએ ખેતરમાં જઇને જોયું તો બે રહસ્યમય લાગતા પદાર્થ પડયા હતા.
પરસોડી ગામનાં નાગરિકોએ તરત જ નજીકના જવાહરનગરની પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે પરસોડી ગામમાં જઇને પેલા બંને પદાર્થને પોતાના કબજામાં લઇ લીધા હતા. હાલ આ બંને રહસ્યમય લાગતા આકાશી પદાર્થ સંપૂર્ણ સલામતી સાથે જવાહરનગર પોલીસ મથકમાં છે.
ભંડારા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર અભિષેક નામદાસે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આ બંને પદાર્થ દેખાવમાં મોટા કદના કોલસા જેવા લાગે છે. જોકે આ બંને પદાર્થ ખરેખર કોઇઆકાશી ઉલ્કા છે કે કોઇ સેટેલાઇટના તૂટી ગયેલા હિસ્સા છે તેની ચોક્કસ ખાતરી થઇ શકી નથી. જોકે બાળકોના કહેવા મુજબ આ બંને પદાર્થ પૃથ્વી પર આવતા હતા ત્યારે આકાશમાં ઝળહળાટ થયો નહોતો કે મોટો વિસ્ફોટ પણ સંભળાયો નહોતો.
આમ છતાં આ બંને પદાર્થ ચમકતા છે. આ બંને પદાર્થનું વૈજ્ઞાાનિક પરીક્ષણ કરવા માટે કોલકાતાથી નિષ્ણાત વિજ્ઞાાનીઓની ટીમ અહીં આવવાની છે. વિજ્ઞાાનીઓના વૈજ્ઞાાનિક પરીક્ષણ બાદ જ બંને પદાર્થની સાચી ઓળખ થશે.
અગાઉ ૨૦૨૫ની ૪, માર્ચે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વડવણી તાલુકાના ખળવટ નીમગાંવમાં અફાટ ગગનમાંથી ગગનભેદી અવાજ સાથે બે ઉલ્કા પડી હતી . આકાશની છાતી ચીરીને છેક પૃથ્વી સુધી ધસી આવેલી ઉલ્કાના અતિ પ્રચંડ અવાજથી ખળવટ લીમગાંવનાં નાગરિકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું.
એ.પી.જે. અબ્દુલ કલામ એસ્ટ્રોસ્પેસ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રીનિવાસ ઔંધકરના પ્રાથમિક પરીક્ષણના આધારે જાણવા મળ્યું છે કે ખળવટ નીમગાંવમાં પડેલી ઉલ્કા કોન્ડ્રાઇડ પ્રકારની છે. ઉલ્કાના બંને ટુકડાનો રંગ કાળો છે અને તેના પર સફેદ રંગનાં નાનાં નાનાં ટપકાં પણ છે. બંને ઉલ્કા અતિ ઘટ્ટ છે અને તેનું વજન લગભગ ૨૮૦ ગ્રામ છે.બંને ઉલ્કા આકાશમાંથી ભયાનક વિસ્ફોટ સાથે પડી ત્યારે અતિશય ટાઢીબોળ હતી.


