વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રશ્નો અને તેના જવાબોની માહિતી આપ્યાનો આરોપ
પ્રો.મનીષા માંઢરેએ અન્ય આરોપી બ્યુટીશ્યન મનીષા વાઘમારેના ઘરે વિદ્યાર્થીઓને સવાલ-જવાબ આપ્યા હતા
મનીષા માંઢરે એક સિનિયર પ્રોફેસર છે.આ કેસમાં દિલ્હીમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલા હોવાથી વનસ્પતિશા અને પ્રાણીશાના પ્રશ્નપત્રો સાથે સંબંધ હતો. અગાઉ આ કેસમાં બિબવેવાડીમાં બ્યુટી પાર્લરના માલિક મનીષા વાઘમારેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મનીષા વાઘમારેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે તેમના ઘરે બોલાવ્યા હતા. ત્યાં પ્રો. માંઢરેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રશ્નો અને તેના સાચા જવાબો વિશે માહિતી આપી હતી. તપાસ દરમિયાન આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ પ્રો. માંઢરેની ધરપકડ કરવામાં આવી હતી, એમ સીબીઆઈએ જણાવ્યું હતું.
સીબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે માર્ગદર્શન વખતે ભણાવવામાં આવેલા પ્રશ્નો નીટ પ્રશ્નપત્રમાં સામેલ હતા. દરમિયાન આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મનીષા વાઘમારેના પતિ દંત ચિકિત્સક છે. તેના પતિની બિબવેવાડીમાં હોસ્પિટલ છે. સીબીઆઈની ટીમ વાઘમારેના પતિની હોસ્પિટલમાં ગઈ હતી અને તપાસ કરી હતી. નીટ પરીક્ષા પ્રક્રિયા દરમિયાન મનીષા વાઘમારેના ૨૧ અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા જમા થયા હતા. તપાસ દરમિયાન આ માહિતી સામે આવી છે. સીબીઆઈને શંકા છે કે આ રકમ પેપરના વેચાણ અથવા સંબંધિત વ્યવહારો માટે એડવાન્સ તરીકે લેવામાં આવી હતી. આ મહિલાએ પકડાયેલા ધનંજય લોખંડેને મદદ કરી રહી હોવાનું કહેવાય છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મનીષા જ વિદ્યાર્થીઓને ધનંજય લોખંડે સુધી પહોંચાડવાનું કામ કરતી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા છે.
- શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટીની રાહુલ ગાંધીની માગ
નીટના વિવાદ વચ્ચે કેન્દ્રે એનટીએમાં બે સંયુક્ત સચિવો, સંયુક્ત ડિરેક્ટર્સની નિમણૂકો કરી
દેશમાં નીટ-યુજી પેપર લીકના કારણે ભારે વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટીની માગણી કરી હતી.
તેમણે કહ્યું કે, આખો દેશ જાણે છે કે નીટની પરીક્ષાના બે દિવસ પહેલાં તેનું પેપર વોટ્સએપ પર ફરી રહ્યું હતું. બીજીબાજુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં બે સંયુક્ત સચિવો અને સંયુક્ત ડિરેક્ટર્સની નિમણૂક કરાઈ છે. ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસના અધિકારી અનુજા બાપટ અને ઈન્ડિયન રેવન્યુ સર્વિસનાં અધિકારી રુચિતા વિજ પાંચ વર્ષ માટે એનટીએમાં નવા સંયુક્ત સચિવપદે નિમાયા છે. આ સિવાય ઈન્ડિયન રેવન્યુ સર્વિસના આકાશ જૈન અને ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસ અધિકારી આદિત્ય રાજેન્દ્ર ભોજગધિયાની સંયુક્ત ડિરેક્ટર્સપદે નિમણૂક કરાઈ છે.


