Mumbai

હવે ગેંગ પણ નકલીઃ ગવલીના પીએના નામે પાંચ કરોડની ખંડણી માગી

By GS TEAM
13 Aug 20252 mins read
હવે ગેંગ પણ નકલીઃ ગવલીના પીએના નામે પાંચ કરોડની ખંડણી માગી

ખંડણી માટે પુણેની હોટલમાં મીટિંગ ગોઠવાઈ ને પોલીસ ત્રાટકી

બાંધકામ પ્રોજેક્ટમાં નુકસાન થવાથી આરોપીઓએ  ગવલી ગેંગના નામે ધમકી આપીને પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો

મુંબઈ -  હું અરુણ ગવળીનો પીએ વાત કરી રહ્યો, મને પાંચ કરોડ જોઈએ છે. એમ કહીને બિલ્ડર પાસેથી પાંચ કરોડની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને પુણેના ક્રાઈમ બ્રાન્ચ અને લશ્કર પોલીસની ટીમે રંગેહાથ પકડી લીધા હતા. તો આ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી.

આ કેસમાં સુમિત ચૌરે, રોહન ગવારે, સુદર્શન ગાયકે, મહેન્દ્ર શેલકે અને કૃષ્ણ બુધનાર સામે લશ્કર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ૪૯ વર્ષીય બિલ્ડર પુણેના કેમ્પ વિસ્તારમાં ઓફિસ ધરાવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બિલ્ડર તરીકે કાર્યરત છે. ૨૦૨૨માં ફરિયાદીનો આરોપી સુમિત ચૌરે સાથે એક બાંધકામ પ્રોજેક્ટ અંગે વ્યવહાર થયો હતો. બાદમાં ૨૦૨૩માં આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે અનધિકૃત હોવાનું જણાતા પુણે મહાપાલિકાએ તેને તોડી પાડયું હતું.  આ સંદર્ભમાં પુણે સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહયો છે. 

જો કે, ૨૮ જુલાઈના રોજ, ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે હું પ્રશાંત પાટીલ, અરુણ ગવળીનો પીએ બોલી રહ્યું છું એમ દાવો કર્યો હતો. આ બાદ ફરિયાદીને ચૌરે સાથેના સંબંધિત વિવાદનું સમાધાન કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ચોથી  ઓગસ્ટના રોજ સુદર્શ ગાયકે  અને તેનો મિત્ર ફરિયાદીની ઓફિસમાં આવ્યા હતા અને ચૌરે સાથે સમાધાન ન કર્યું તો અરુણ ગવળીના પીએને તેમની ઓફિસમાં લાવવાની ધમકી આપી હતી.

આ બાદ સુદર્શ ગાયકે નવમી ઓગસ્ટના ફરી ફરિયાદીને ફોન કરીને જણાવ્યુ ંહતું કે તમે પાંચ કરોડમાં આ મામલો ઉકેલી લો અને પૈસા  આપવા દબાણ કર્યું હતું. આ ઘટના બાદ ફરિયાદીએ લશ્કર પોલીસનો સપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.  આ બાદ ૧૧ ઓગસ્ટના ફરિયાદી અને ગાયક વચ્ચે વિમાનગરની એક હોટલમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને લશ્કર પોલીસના કર્મચારીઓએ હોટલમાં છટકું ગોઠવ્યું હતું. 

મિટીંગ દરમિયાન ગાયકે સાથે આવેલા ત્રણ લોકોએ ફરિયાદીને ધમકી આપી હતી કે, જો તમે મને પાંચ કરોડ નહીં આપો તો હું તમને જાનથી મારી નાખીશ. આ સમયે પોલીસે ત્રણેય લોકોને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં બે આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ હતી.