સલમાનની ગેલેક્સી બિલ્ડિંગમાં હવે એક એક મુલાકાતીનું ચેકિંગ
બે દિવસમાં ઘૂસણખોરીની બે ઘટના આબરુ જતાં પોલીસ જાગી
હવે બિલ્ડિંગના રહીશ કન્ફર્મ કરે તે પછી જ મુલાકાતીને એન્ટ્રીઃ જોકે, ખાનગી બિલ્ડિંગ હોવાથી પોલીસ માટે કામ પડકારજનક
મુંબઈ - મુંબઈ પોલીસ દ્વારા બોલીવુડ અભિનેતા સલમાન ખાનના બાંદરા સ્થિત નિવાસ સ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં મુલાકાતીઓના પ્રવેશને નિયંત્રિત કરી એક એક મુલાકાતીનું ચેકિંગ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા બે દિવસમાં ઘૂસણખોરીની બે ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે.
પોલીસે ઘૂસણખોરી કરનાર આરોપમાં ખારની એક મહિલા અને છત્તીસગઢના એક યુવાનની ધરપકડ કરી હતી.
બીજી તરફ અભિનેતાનું ઘર હંમેશાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાન પર રહ્યું છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળતા સલમાનને પહેલાથી જ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે 'અભિનેતાને મળેલી ધમકીઓ અને ઘૂસણખોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે મુલાકાતીઓના પ્રવેશને નિયંત્રિત કરવા અને સુરક્ષા વ્યવસ્થા સુધારવાનું નક્કી કર્યું છે. પરંતુ ગેલેક્સી એપાર્ટમેન્ટ એક ખાનગી બિલ્ડિંગ હોવાથી દરેક મુલાકાતીની તપાસ કરવી પડકારરૃપ બની શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 'મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે બિલ્ડિંગના રહેવાસીઓ પાસેથી તેમની ઓળખની પુષ્ટિ કરવી પડશે.
છત્તીસગઢનો ૨૩ વર્ષીય જીતેન્દ્રકુુમાર સિંગ મંગળવારે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેવાસીની કાર પાછળથી અંદર ઘૂસી ગયો હતો. પોલીસે તેને ઝડપી લીધો હતો. તે સલમાનને મળવા માગતો હતો. પોલીસ બિલ્ડિંગમાં પ્રવેશવા દેતી ન હોવાથી તેણે ચોરીથી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત ખારની ઇશા છાબરિયા વહેલી સવારે બિલ્ડિંગમાં પ્રવેશી અને દાવો કર્યો કે તેને અભિનેતા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તે લિફ્ટથી સલમાનના ફ્લેટ સુધી પહોંચવામાં રહી અને તેનો દરવાજો ખટખટાવ્યો હતો. જ્યારે ખાનના સ્ટાફે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તેને કોઈએ આમંત્રણ આપ્યું નહોતું. બાદમાં ઇશાની ધરપકડ કરાઈ હતી.
ગયા વર્ષે એપ્રિલમાં બિશ્નોઈ ગેંગના ગુંડાઓએ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. ખાનની ઘણા વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેક ધમકીઓ મળી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઇન પર અગાઉ બિશ્નોઈ ગેંગના નામે ખાનને ધમકીઓ મળી હતી અને ખંડણીની માગણી કરવામાં આવી હતી.
આ ધમકીઓના સંદર્ભમાં વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ખાનની ફિલ્મના શૂટિંગના સ્થળે ઘૂસી લોરેન્સ બિશ્નોઈના નામથી બોડી ગાર્ડને ધમકી આપનારની ધરપકડ કરાઈ હતી.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસે તેમની ચાર્જશીટમાં કહ્યું હતું કે સિદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલના આદેશ પર કરવામાં આવી હતી, કારણ કે તે સલમાનની નિકટ હતા.