Mumbai

કોઈના નિર્દોષ છૂટકારા સામે ગમે તે વ્યક્તિ અપીલ ન કરી શકેઃ હાઈકોર્ટ

By GS TEAM
17 Sep 20252 mins read
કોઈના નિર્દોષ છૂટકારા સામે ગમે તે વ્યક્તિ અપીલ ન કરી શકેઃ હાઈકોર્ટ

માલાગેવાંવ બ્લાસ્ટ કેસના ચુકાદાને પડકારાતાં ટિપ્પણી

મૃતકના પિતાની અરજી સંદર્ભમાં હાઈકોર્ટનો સવાલઃ શું પીડિતોના પરિવારોને સાધી તરીકે તપાસવામાં આવ્યાં હતાં ? 

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટવા સામે અપીલ દાખલ કરવા માટેનો દરવાજો દરેક માટે ખુલ્લો નથી. કોર્ટે પીડિતોના પરિવારના સભ્યોને ટ્રાયલમાં સાક્ષી તરીકે તપાસવામાં આવ્યા હતા કે કેમ તેની વિગતો માંગી હતી.

મુખ્ય ન્યાયાધીશ  ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા છ વ્યક્તિઓના પરિવાર દ્વારા નિર્દોેષ છૂટવાના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી.

આ અપીલમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ખાસ અદાલતના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

મંગળવારે હાઈકોર્ટની બેન્ચે જાણવાની માંગ કરી હતી કે શું પરિવારના સભ્યોને ટ્રાયલમાં સાક્ષી તરીકે તપાસવામાં આવ્યા હતા? પરિવારના સભ્યોના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે પુત્રને ગુમાવનારા પ્રથમ અપીલકર્તા  નિસાર અહેમદ ટ્રાયલમાં સાક્ષી નથી, પરંતુ તેમણે કહ્યું કે તેઓ બુધવારે વિગતો રજૂ કરશે.

ત્યારબાદ બેન્ચે કહ્યું કે જો અપીલકર્તાના પુત્રનું વિસ્ફોટમાં મૃત્યુ થયું હોય, તો તે (નિસાર અહેમદ) સાક્ષી હોવો જોઈએ. તમારે (અપીલકર્તાઓએ) એ દર્શાવવું પડશે કે તેઓ સાક્ષી હતા કે નહીં. અમને વિગતો આપો. આ દરેક માટે ખુલ્લો દરવાજો નથી,એમ હાઈકોર્ટે કહ્યું હતું. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી બુધવારે મુલતવી રાખી છે.

અરજદારોએ દાવો કર્યો હતો કે ૩૧ જુલાઈના રોજ સ્પેશિયલ એનઆઈએ કોર્ટે સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો જે આદેશ આપ્યો હતો તે ખોટો અને કાયદાની દ્રષ્ટિએ ખરાબ હતો અને તેથી તેને રદ કરવાને પાત્ર હતો. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ ના રોજ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુંબઈથી લગભગ ૨૦૦ કિમી દૂર આવેલા માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંવામાં આવેલ વિસ્ફોટક ઉપકરણ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા.

અપીલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે ફોજદારી કેસમાં  પોસ્ટમેન અથવા મૂક પ્રેક્ષક તરીકે કામ ન કરવું જોઈએ. જ્યારે ફરિયાદ પક્ષ તથ્યો બહાર કાઢવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ટ્રાયલ કોર્ટ પ્રશ્નો પૂછી શકે છે અને/અથવા સાક્ષીઓને સમન્સ મોકલી શકે છે, એમ તેમાં ઉમેર્યું હતું.

ટ્રાયલ કોર્ટે કમનસીબે માત્ર એક પોસ્ટ ઓફિસ તરીકે કામ કર્યું છે અને આરોપીને ફાયદો પહોંચાડવા માટે ખામીયુક્ત કાર્યવાહીને મંજૂરી આપી છે,એમ અપીલમાં જણાવાયું છે.