Get The App

અમીષા પટેલ પર દાયકા જૂના કેસમાં ગેરજમાનતી વોરંટ જારી

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
અમીષા પટેલ પર  દાયકા જૂના કેસમાં ગેરજમાનતી વોરંટ જારી 1 - image

રાજપાલ યાદવ પછી હવે અભિનેત્રી કાનૂની સકંજામાં

અમીષાએ મુરાદાબાદમાં લગ્નના સમારંભમાં પરફોર્મ કરવા  ૧૧ લાખ લેવા છતાં હાજર ન રહેતા કેસ દાખલ થયો

ચેક બાઉન્સ અને છેતરપિંડીના જૂના કેસમાં જ્યારે અભિનેતા રાજપાલ યાદવને તિહાડ જેલમાંથી જમાનત મળી ગઈ છે ત્યારે અભિનેત્રી અમીષા પટેલ સામે દસ વર્ષ જૂના કેસમાં ગેર-જમાનતી વોરંટ  જારી થયું છે. મુરાદાબાદની એસએએમ-૫ કોર્ટે અમીષા પટેલ નિર્ધારીત તારીખ પર ગેરહાજર રહેતા તેની સામે આ સખત પગલુ ભર્યું છે અને તેને ૨૭ માર્ચના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. 

આ કેસ વર્ષ ૨૦૧૭નો છે જ્યારે મુરાદાબાદમાં એક ઈવેન્ટ કંપનીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે અમીષા પટેલે એક લગ્ન સમારંભમાં પરફોર્મ કરવા માટે ૧૧ લાખ રૃપિયાની ફી લીધી હતી, પણ કાર્યક્રમમાં સામેલ નહોતી થઈ. આયોજકોના દાવા અનુસાર ફી લેવા છતાં અભિનેત્રીએ પોતાની કમિટમેન્ટ પૂરી ન કરી.

ઈવેન્ટ મેનેજર પવન વર્માએ આરોપ કર્યો છે કે અભિનેત્રી મુંબઈથી દિલ્હી સુધી આવી, પણ ત્યાં પહોંચીને બે લાખ રૃપિયા રોકડા વધારાની માગણી કરી. જ્યારે આયોજકોએ આ માગણી નકારી દીધી તો તે દિલ્હીથી જ પાછી મુંબઈ ચાલી ગઈ અને કાર્યક્રમમાં હાજર ન રહી.

આ ઘટના પછી પવન વર્માએ અમીષા પટેલ અને તેની ટીમ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અભિનેત્રી પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-બી, ૪૦૬, ૫૦૪ અને ૫૦૬ હેઠળ કેસ ચાલી રહ્યો છે. બે વર્ષ અગાઉ તેણે મુરાદાબાદ આવીને જમાનત મેળવી હતી, પણ આરોપ છે તેણે જમાનતની શરતોનું પાલન નથી કર્યું.

કોર્ટે અનુપસ્થિતિ અને શરતોના ઉલ્લંઘનને ગંભીર ગણીને તેની સામે ફરીથી ગેર-જમાનતી વોરંટ જારી કર્યું. હવે અમીષાએ ૨૭ માર્ચના દિવસે કોર્ટમાં હાજર થવું અનિવાર્ય છે, અન્યથા કાનૂની કાર્યવાહી વધુ સખત થઈ શકે છે.