શિવાજી મહારાજના નામ પર કોઈનો અધિકાર નથીઃ હાઈકોર્ટ

મહેશ માંજરેકરની આગામી ફિલ્મને મંજૂરી આપી
એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટ એલએલપી દ્વારા દાખલ કરાયેલા કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપોને ફગાવી દેવાયા
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર કોઈપણ સ્વરૃપમાં કોઈનો અધિકાર હોઈ શકે નહીં. આથી મહેશ માંજરેકરની નવી મરાઠી ફિલ્મ-'પુન્હા શિવાજી રાજે ભોસલે' શુક્રવારે નિર્ધારિત સમયપત્રક મુજબ રિલીઝ થવાનો માર્ગ મોકળો થયો છે.
ગુરુવારે ઉપલબ્ધ કરાયેલા ન્યાયાધીશ અમિત જામસાંડેકરની વેકેશન બેન્ચના ચુકાદામાં એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટ એલએલપી દ્વારા દાખલ કરાયેલા કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપોને ફગાવી દેતાં ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંને ફિલ્મોની સ્ક્રિપ્ટમાં કોપીરાઈટ ઉલ્લંઘનના આરોપો પ્રથમ દ્રષ્ટિએ અયોગ્ય અને પાયાવિહોણા છે.
એવરેસ્ટની દલીલ મુજબ, કંપની ફિલ્મ શીર્ષક 'મી શિવાજી રાજે ભોસલે બોલતોય' ની એકમાત્ર અને વિશિષ્ટ કોપીરાઇટ માલિક હતી, જે ૨૦૦૯ માં માંજરેકરની અશ્વમી ફિલ્મ્સ સાથે રિલીઝ થઈ હતી.૨૦૧૩ માં એવરેસ્ટ ફિલ્મના તમામ અધિકારો મેળવી લીધા હતા. કંપનીએ કહ્યું કે તેને આ વર્ષની શરૃઆતમાં ખબર પડી કે માંજરેકર એક સિક્વલ જેવી દેખાતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે એવરેસ્ટ છત્રપતિ શિવાજીરાજે ભોંસલે અથવા છત્રપતિ શિવાજી મહારાજ નામોમાં કોઈ માલિકીનો દાવો કરી શકે નહીં. છત્રપતિ શિવાજી મહારાજનું નામ કોઈપણ સ્વરૃપમાં માલિકીનો વિષય ન હોઈ શકે,એમ હાઈકોર્ટે કહ્યું.માંજરેકરની ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું કે તે સંપૂર્ણપણે નવી કૃતિ છે અને શાબ્દિક અનુકરણ નથી.
મરાઠી ફિલ્મોના જાણકાર અને રુચિકર પ્રેક્ષકો, પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મના શીર્ષક સહિત વાદી (એવરેસ્ટ) દ્વારા આરોપ કરાયેલા કોઈપણ પરિબળોથી મૂંઝવણમાં પડશે કે છેતરાશે નહીં,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે એવરેસ્ટના એવા દાવાને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યોે હતો કે માંજરેકર દ્વારા ઘણા સંવાદોની નકલ પણ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે સંવાદો સામાન્ય પ્રકારના છે અને દરેક મરાઠી ભાષી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા સામાન્ય શબ્દો અને અભિવ્યક્તિઓ વિવિધ મરાઠી સાહિત્ય, થિયેટર અને ફિલ્મોનો ભાગ છે.
કોર્ટે કહ્યું કે જે સંવાદોમાં વાદી (એવરેસ્ટ) કોપીરાઈટનો દાવો કરે છે તે તેનું મૂળ કાર્ય નથી.
કોર્ટે વધુમાં કહ્યું કે ફિલ્મ સામે કોઈપણ રાહત મેળવવા માટે કંપની તરફથી અતિશય વિલંબ થયો છે.
કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ કોઈપણ વચગાળાની રાહત આપવા માટે તૈયાર રહેશે નહીં, ખાસ કરીને જ્યારે કોઈ ફિલ્મ બે દિવસમાં રિલીઝ થવાની હોય અને એવું સ્પષ્ટ થાય કે વાદીએ કોર્ટનો સંપર્ક કરવા માટે તાત્કાલિક પગલાં લીધા નહોતા.
અમને લાગે છે કે વાદી તરફથી (રાહત મેળવવામાં) વિલંબ ગણતરીપૂર્વકનો છે. પ્રથમ દ્રષ્ટિએ, મને લાગે છે કે વાદી તરફથી મૌન કોર્ટ અને પ્રતિવાદીઓ પર દબાણ લાવવા માટે એક ગણતરીપૂર્વકનું પગલું છે,એમ હાઈકોર્ટે કહ્યું હતું.
અરજી મુજબ, માંજરેકરે 'પુન્હા શિવાજી રાજે ભોસલે' બનાવીને કંપનીની સ્ક્રિપ્ટ અને પ્રમોશનલ સામગ્રીનું ઉલ્લંઘન કર્યું છે. એવરેસ્ટનો આરોપ છે કે માંજરેકરની ફિલ્મની વાર્તા, પ્લોટ, ઘટનાઓનો ક્રમ, પાત્રો અને એકંદર કથાનક તેની ફિલ્મ જેવી જ છે.માંજરેકરે કહ્યું કે એવરેસ્ટ 'છત્રપતિ શિવાજી મહારાજ' અથવા 'શિવાજી રાજે ભોસલે' નામ પર કોઈ હકનો દાવો કરી શકે નહીં.

