અસરાનીની અંતિમવિધિમાં કોઈ ફિલ્મ કલાકાર ન પહોંચ્યા

અંતિમવિધિ આટોપાયા બાદ જાહેરાત કરાઈ
સવારે જ મૃત્યુનો ભાસ થઈ જતાં પત્નીને કહ્યું હતું મારે શાંતિથી વિદાય લેવી છે
મુંબઇ - મશહૂર અભિનેતા અને હાસ્યનટ અસરાનીનો દિવાળીની સાંજે જ જીવનદીપ બુઝાયા બાદ અંતિમવિધિ વખતે કોઇ ફિલ્મ અભિનેતાઓ નજરે ન પડતા એવી ચર્ચાનો ચકરાવો શરૃ થયો હતો કે ફિલ્મવાળા ફ્યુનરલમાં ન દેખાયા. હકિકતમાં અસરાનીએ ગઇકાલે સવારે જ મૃત્યુનો ભાસ થવાથી પત્નીને કહ્યું હતું કે કોઇ શોરગુલ વગર એકદમ શાંતિપૂર્વક હું વિદાય લેવા માગું છું.
અસરાની તરીકે સિક્કો જમાવનારા ગોવર્ધનરામ અસરાનીનું ગઇકાલે જૂહુની આરોગ્યનિધિ હોસ્પિટલમાં ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું હતું. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ગઇકાલે સવારે અસરાનીએ તેમની પત્ની મંજુ અસરાનીને કહ્યું હતું કે હું શાંતિપૂર્વક વિદાય લેવા માગું છું એટલે અંતિમવિધિ વખતે શોરગૂલ થાય એવું નથી ઇચ્છતો. એટલે મંજૂ અસરાનીએ અસરાનીના સેક્રેટરી બાબુભાઇ થીબાને કહ્યું હતું કે અસરાનીની અંતિમવિધિ વિશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇને જાણ નહિ કરવા જણાવ્યું હતું. આમ ગઇ રાત્રે સાંતાક્રૂઝ પશ્ચિમના શાસ્ત્રીનગરની સ્મશાનભૂમિમાં માત્ર પરિવારજનોની હાજરીમાં અસરાનીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંતિમવિધિ પૂરી થયા પછી પરિવાર દ્વારા જાહેરાત કરાતાં અસરાનીના મૃત્યુની સહુને જાણ થઇ હતી. દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત સહુને જ્યારે અસરાનીના મૃત્યુની ખબર પડી ત્યારે જબરજસ્ત આઘાતની લાગણી અનુભવી હતી.









