લોનાવલાના એકવીરા દેવીના મંદિરમાં વેસ્ટર્ન ડ્રેસમાં પ્રવેશ નહિ
સાતમી જુલાઈથી ડ્રેસ કોડનો અમલ
મિની સ્કર્ટ, બર્મુડા, ફાટેલાં જીન્સ જેવાં આધુનિક વસ્ત્રોમાં પ્રવેશ નહિ મળે
મુંબઇ - મહારાષ્ટ્રના લાખો ભક્તોના શ્રદ્ધાસ્થાન ગણાતા લોનાવલાના એકવીરા દેવીના મંદિરમાં દર્શન માટે વસ્ત્રસંહિતા (ડ્રેસ કોડ) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકવીરા દેવીના દર્શને આવતા ભાવિકોને વેસ્ટર્ન ડ્રેસ, મિની સ્કર્ટ, બર્મ્યુડા, ફાટેલા જીન્સ અને હોટ- પેન્ટમાં પ્રવેશ આપવામાં નહી આવે, ૭મી જુલાઇથી આ ડ્રેસ- કોડ અમલમાં આવશે.
એકવીરા દેવસ્થાનના ટ્રસ્ટી મંડળની બે દિવસ પહેલાં જ મળેલી બેઠકમાં ડ્રેસ-કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરનું ડેકરોરમ અને પવિત્રતા જળવાય એ માટે વસ્ત્રસંહિતા જરૃરી છે એવો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
વસ્ત્રસંહિતા મુજબ મહિલાઓ માટે સાડી, સલવાર- કુર્તા અથવા અન્ય ભારતીય પારંપારિક પોષાક નક્કી કરવામાં આવ્યો છે. પુરુષો માટે ધોતિયું-ઝબ્બો, કુર્તા- પાયજામા, સાદા પેન્ટ- શર્ટ અથવા પારંપારિક વેશભૂષા નક્કી કરવામાં આવી છે.
મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર સહિત રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ડ્રેસ- કોડ લાગુ કરવામાં આવ્યા છે. હવે એકવીરા દેવી મંદિરના દર્શને જતા ભાવિકોએ પણ ડ્રેસ- કોડનું આવતા અઠવાડિયાથી પાલન કરવું પડશે.