સૈન્ય જવાન વિશેના વેબ શોમાં એકતા કપૂર દ્વારા કોઈ ગુનાઈત કૃત્ય નહિઃ પોલીસ

લશ્કરી જવાનને જાતીય કૃત્ય કરતો દર્શાવીને બદનામીની ફરિયાદ થઈ હતી
મધ્ય પ્રદેશમાં કેસ નોધાયો હોવાથી અન્ય કેસ નોંધવાની આવશ્યકતા ન હોવાની પોલીસની કોર્ટમાં કેફિયત
મુંબઈ - એક વેબ સિરીઝમાં કથિત પણે ભારતીય સૈનિકોનું અપમાન કરવા બદલ ફિલ્મ અને ટેલિવિઝન નિર્માત્રી એકતા કપૂર સામે કરાયેલી ફરિયાદમાં તપાસ અહેવાલ રજૂ કરીને પોલીસે આરોપોમાં કોઈ ગુનાહિત કૃત્ય ન હોવાનું જણાવ્યું છે.
કોઈ અધિકારી કે ફરજ પર સક્રિય શસસ્ત્રદળોના અધિકારીએ એકતા અથવા ઓટીટી પ્લેટફોર્મ સામે ફરિયાદ નોંધાવી નથી આથી કોઈ કાયદાકીય પગલાં લેવાયા નથી, એમ અહેવાલમાં જણાવ્યું છે.
મહિનાના પ્રારંભમાં દાખલ કરાયેલા અહેવાલમાં નોંધ કરાઈ હતી કે આ બાબતે અન્ય કેસ મધ્ય પ્રદેશમાં પણ નોંધાયો છે અને અન્ય કોઈ જગ્યાએ નવો કેસ નોંધવો જરૃરી નથી.
ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે ફોજદારી કેસ જુદા જુદા રાજ્યમાં નોંધવા સામે કોઈ બંધી નથી. આરોપી કેસો ક્લબ કરવાની અરજી કરી શકે છે.
બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટે ફેબુ્રઆરીમાં ખાર પોલીસને કપૂર અને અન્યો સામેની ફરિયાદની તપાસ કરવા આદેશ આપ્યો હતો.
યુટયુબર વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ કરેલી ફરિયાદમાં એકતા ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી અને તેના માતાપિતા શોભા અને જીતેન્દ્ર કપૂરને પણ પ્રતિવાદી બનાવ્યા હતા.
અલ્ટ બાલાજી પર દર્શાવેલી વેબ સિરીઝમાં લશ્કરી અધિકારીને એક એપિસોડમાં ગેરકાયદે જાતીય કૃત્યમાં સંકળાયેલો દર્શાવ્યો હતો.પાઠકને મે ૨૦૨૦માં આ વાતની જાણ થતાં ફરિયાદ કરી હતી.
રાષ્ટ્રીય ચિન્હવાળું લશ્કરનું યુનિફોર્મ પહેરીને ભારતીય જવાનના પાત્રને ગેરકાયદે જાતીય કૃત્યમાં રાચતો દર્શાવીને દેશની પ્રતિમાને નીચલી પાયરીએ જઈને બેશરમીથી લક્ષ્ય બનાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.








