મુંબઈ મહાનગરપાલિકાના ૨૨૭ વોર્ડમાં કોઈ ફેરફાર નહીં
બ્યુગલ વાગ્યું... વોર્ડ રચના જાહેર
સીમાંકનમાં કોઈ પણ ફેરફાર નથી, પરંતુ વાંધા-વચકા અને સૂચનો ૪ સપ્ટેમ્બર સુધી નોંધાવાના રહેશે
મુંબઈ - લગભગ ત્રણ વર્ષથી ચૂંટણી યોજાયા વગર એટલે કે નગરસેવકો વિના કારભાર ચલાવતી એશિયા ખંડની સૌથી મોટી અને શ્રીમંત મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાનું આખરે બ્યુગલ વાગી ગયું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાનારી પાલિકાની નગરસેવકોના મતવિસ્તારના વોર્ડની સીમાંકન પાલિકાએ વેબસાઇટ પર જાહેર કરી છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી પાલિકાની ચૂંટણીના ૨૨૭ વોર્ડ મુજબ ચૂંટણી થશે. આ માટે આજથી ૪ સપ્ટેમ્બર સુધી વાંધા-વચકા અને સૂચનો નાગરિકો પાસે મગાવવામાં આવ્યા છે.
મુંબઈ મહાનગર પાલિકામાં ચૂંટાઈને આવેલા નગરસેવકોની મદત ૭ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરી થયા બાદ પાલિકાનો વહીવટી સરકારે નીમેલા પ્રશાસક એવા પાલિકા કમિશનર થકી થઈ રહ્યો છે. આથી મુંબઈના વિકાસ અને નાગરિકોના પ્રશ્ન સંદર્ભે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર કમિશનર અને પ્રશાસક પાસે છે. પાલિકાની ચૂંટણી યોજવાના વિઘ્નો દૂર થયા છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચૂંટણી યોજાય એવી શક્યતા છે.
વોર્ડના માળખાના ડ્રાફ્ટ પ્લાન પર મળેલા વાંધા અને સૂચનો પાલિકા દ્વારા આપવામાં આવેલા સ્થળે એક અઠવાડિયામાં જાહેર સુનાવણી યોજાશે. આ વાંધાઓ દૂર કરીને સંબંધિત અધિકારી તેમને મંજૂરી માટે રાજ્ય ચૂંટણી પંચને રજૂ કરશે. તે પછી ચૂંટણી કમિશનર અંતિમ વોર્ડ માળખાને મંજૂરી આપશે. તેમની મંજૂરી પછી મુંબઈ મહાનગર પાલિકા અંતિમ વોર્ડ માળખાને પ્રકાશિત કરશે. મતદાર યાદી પ્રક્રિયા અને અનામત લોટરી માટે ઓછામાં ઓછો એક મહિના લાગશે.
તદઉપરાંત થાણે મહાનગરપાલિકામાં ૩૩ વોર્ડ માટે ૧૩૧ નગરસેવકોને ચૂંટવાના હશે. એક વોર્ડમાં ત્રણ નગરસેવક હશે. માત્ર વોર્ટ ક્રમાંક ૩૨માં ચાર નગરસેવક હશે. તેઓ માટે ૪ સપ્ટેમ્બર સુધી વાંધા-વચકા અને સૂચનો મગાવવામાં આવ્યા છે.
આ સિવાય પૂણેમાં ૪૧ વોર્ડમાં ૧૬૫ નગરસેવક ચૂંટવામાં આવશે. અહીં ૪૦ વોર્ડમાં ચાર સભ્યની પેનલ અને વોર્ડ ક્રમાંક ૩૮માં પાંચ સભ્યોની સંખ્યા હશે.