અલ્બાનિયાની હોટેલમાં સતામણી થયાનો આરોપ
અનિચ્છાએ કિસ કરી હતીઃ મોબાઈલ પર રોમાન્ટિક મેસેજ મોકલ્યા હતાઃ આરોપોની ગંભીરતાને જોતાં આગોતરા જામીન આપવાનો ઈનકાર
મુંબઈ- ૨૦૨૩માં મહિલા એથ્લીટનો પીછો કરીને કથિત જાતીય સતામણી કરવાના કેસમાં સ્પોર્ટ્સ બોડીના માજી પ્રમુખને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો હતો.અરજદાર સામેના આરોપોના પ્રકાર જોતાં અમે આગોતરા જામીન આપવા માગતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
જૂન ૨૦૨૨માં એથ્લીટ અને તેના પતિ દ્વારા સંચાલિત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ઈન્ડિયા ફેડરેશન સાથે સંકળાયું હતું. આ ફેડરેશનના પ્રમુખ અરજદાર હતા. નવેમ્બર ૨૦૨૩માં એથ્લીટ જ્યારે ઈન્ટરનેશનલ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની રેફરી પરીક્ષા માટે અલબાનિયા હતી ત્યારે અરજદારે તેને પોતાની હોટેલમાં પ્રેઝન્ટેશન રિવ્યુ કરવાને બહાને બોલાવી હતી.
જતી વખતે અરજદારે તેને ભેટીને ગાલ પર કિસ આપી હતી. ત્યાર બાદ વારંવાર આઈ લવ યુ અને માય સ્વીટહાર્ટ જેવા મેસેજ મોકલાવ્યા કર્યા હતા. સિંગલ હોત તો તેની સાથે લગ્ન કરત એમ જણાવીને વારંવાર અયોગ્ય સ્પર્શ કર્યા હતા.
આરોપો ખોટા છે અને એફઆઈઆર નોંધાવવામાં વિલંબ થતો હોવાનું તેમ જ ગુનાની શરતો સંતુષ્ટ થતી નથી, એમ બચાવમાં જણાવ્યું હતું.
અલબાનિયામાં વરિષ્ઠ કોચની મારપીટ બદલ પતિ સામે લેવાયેલા શિસ્તના પગલાંનો બદલો લેવાયો છે. ૧૮ જુલાઈ ૨૦૨૫માં હાઈ કોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું હતું અને તપાસમાં સહકાર આપ્યો છે જે હવે પૂરી થઈ છે.
કોર્ટે રજૂઆતો સાંભળીને અરજી ફગાવી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા વચગાળાનું રક્ષણ ચાર સપ્તાહ માટે ચાલુ રહેશે એમ જણાવ્યું હતું.


