Get The App

રિડેવલપેન્ટ બાદ 600 ચોમી સુધીના ફલેટ માટે વધારાની રજિસ્ટ્રેશન ફી નહિ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
રિડેવલપેન્ટ બાદ 600 ચોમી સુધીના ફલેટ માટે વધારાની રજિસ્ટ્રેશન ફી નહિ 1 - image

રજિસ્ટ્રેશન ફી માફ થતાં હજારો ભાડુતોને લાભ થશે

અનેક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને નવજીવન મળશેઃ કલસ્ટર પ્રોજેક્ટસનો માર્ગ પણ મોકળો થશે

મુંબઈ -  જૂની ઈમારતોમાં રહેતા ભાડૂતોને રિડેવલપમેન્ટ ઈમારતોમાં મળતા વધારાના ક્ષેત્રફળના ફલેટ માટે કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન ફી ભરવામાંથી મુક્તિ ની જાહેરાત રાજ્યના મહેસૂલમંત્રી ચંદ્રશેખર બાવન કુળેએ કરી હતી.

મુંબઈમાં વસતાં હજારોની સંખ્યામાં ભાડૂતોને આનો લાભ મળશે. અત્યાર સુધી રિડેવલપમેન્ટ બાદ ફક્ત ૪૦૦ ચો. ફૂટ ક્ષેત્રફળ ધરાવતા ફલેટ માટે રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી હતી. પરંતુ નવા નિર્ણય મુજબ આ મર્યાદા વધારીને ૬૦૦ ચો. ફૂટ ક્ષેત્રફળ કરવામાં આવ્યો છે. એટલે કે ૨૦૦ ચો. ફૂટના વધારા પછી પણ સરકાર રજીસ્ટ્રેશન ફી વસુલ કરશે નહીં.

મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો આ નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ સરકારી છૂટથી ભાડૂઆતો માટે હવે મોટા ઘરનું સ્વપ્ન વધુ સરળતાથી પૂર્ણ થશે અને સૌથી અગત્યનું આ છૂટ ૬૦૦ ચો. ફૂટ સુધી લાગુ થતાં ઘણા પ્રોજેક્ટસને નવું જીવન મળશે.

જૂની ઈમારતોના રહેવાસીઓને બાંધકામ દર અથવા રેડી રેકનર દરે પુનર્વિકાસમાં મેળવેલા વધેલા વિસ્તાર પર સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડતી હતી. જોકે હવે કલસ્ટર રિડેવલપમેન્ટમાં પાત્ર ભાડૂઆતો માટે ઉપલબ્ધ મૂળ વિસ્તાર, વધારાનો વિસ્તાર અને વધારાના બાંધકામ વિસ્તારમાં રાહત દરે મૂલ્યાંકન કરવામાં આવશે.

કલસ્ટર પ્રોજેક્ટસનો માર્ગ મોકળો થયો

મુંબઈ વિકાસ નિયંત્રણ નિયમો ૨૦૩૪ના નિયમ ૩૩ (૯) (૫) (આઈ) મુજબ કલસ્ટર  ડેવલપમેન્ટમાં રહેવાસીઓને ઓછામાં ઓછા ૩૫ ચો.મી. કાર્પેટ એરિયા પૂરો પાડવો ફરજિયાત છે. વધુમાં કલસ્ટરના કદના આધારે ૧૦થી ૩૫ ટકા વધારાનો વિસ્તાર અને ૩૫ ટકા  સંભવિત  એરિયા (અધિકૃત વધારાનું બાંધકામ) પૂરો પાડવામાં આવે છે.

આ બધા વધારાના વિસ્તારના હવે જૂની જગ્યાના બદલામાં મળેલા વધારાના ક્ષેત્રફળને હવે જૂની જગ્યાના બદલામાં મળેલા ક્ષેત્રફળ તરીકે ગણવામાં આવશે અને તેનું મૂલ્યાંકન નજીવા દરે નક્કી કરવામાં આવશે. આનાથી પુનર્વિકાસ પ્રોજેક્ટસની આર્થિક સધ્ધરતા વધશે. આથી મુંબઈમાં ઘણા વર્ષોથી અટકેલા કલસ્ટર પ્રોજેક્ટસ માટે માર્ગ મોકળો થશે. આનો ફાયદો ૪૦૦૦ ચો. મીટર અને ૫૦,૦૦૦ ચો.મી. સુધીના પ્રોજેક્ટને થશે.

આ નિર્ણયથી આટલા મોટા કલસ્ટર પ્રોજેક્ટમાં સ્ટેમ્પ ડયુટીમાં લગભગ રૃ.૪.૩૬ કરોડની સીધી બચત થશે.